કંડાલા બંદરે 3 કરોડની પાકિસ્તાની ખારેકના 13 ક્ધટેનર જપ્ત, UAEથી આવ્યાનો દાવો

  ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પાકિસ્તાનથી આયાત પરના પ્રતિબંધને ટાળવા માટે ત્રીજા દેશો મારફતે કરવામાં આવતી દાણચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી…

 

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પાકિસ્તાનથી આયાત પરના પ્રતિબંધને ટાળવા માટે ત્રીજા દેશો મારફતે કરવામાં આવતી દાણચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DRI એ કંડલા બંદર પરથી પાકિસ્તાની મૂળની 364 મેટ્રિક ટન (MT) સૂકી ખજૂરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે.

13 ક્ધટેનરમાં લાવવામાં આવેલી આ સૂકી ખજૂરની અંદાજિત કિંમત રૂૂ.3 કરોડ જેટલી આંકવામાં આવી છે.મળેલી ગુપ્ત માહિતીના આધારે DRIના અધિકારીઓએ કંડલા બંદર પર 13 ક્ધટેનર અટકાવીને તપાસ હાથ ધરી હતી. આયાતકારોએ આ માલ સંયુક્ત આરબ અમીરાત (UAE) થી આવ્યો હોવાનો દાવો કર્યો હતો.
પરંતુ ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો હતો કે આ જથ્થો વાસ્તવમાં પાકિસ્તાનનો હતો. આયાતકારોએ પ્રતિબંધમાંથી બચવા માટે પહેલાં માલ પાકિસ્તાનથી દુબઈ પહોંચાડ્યો હતો અને ત્યાં ક્ધટેનર બદલીને બોગસ દસ્તાવેજોના આધારે ભારત નિકાસ કર્યો હતો. મૂળ દેશની ખોટી માહિતી આપીને ગુનો આચરવામાં આવ્યો હોવાથી કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સમગ્ર ક્ધસાઇનમેન્ટ જપ્ત કરી લેવામાં આવ્યું છે.

મધ્યપૂર્વના દેશોમાંથી ‘બેઝ ઓઈલ’ અથવા ‘ઇન્ડસ્ટ્રિયલ સોલ્વન્ટ’ નામે યુઝડ એન્જિન ઓઈલ અને પ્રતિબંધિત રસાયણો આયાત કરવાના અનેક કિસ્સાઓ કંડલા ખાતે સામે આવ્યા હતા. આમાં ઈમ્પોર્ટ ડ્યુટીની મોટી ચોરીનો ખુલાસો થયો હતો. ચીનથી લાવવામાં આવેલા ક્ધટેનરોમાં દસ્તાવેજી ઘાલમેલ કરીને બ્રાન્ડેડ ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, રમકડાં અને ઈ-સિગારેટ જેવી પ્રતિબંધિત વસ્તુઓ લાવવામાં આવી હતી. ખોટા નામ હેઠળ માલનું વર્ગીકરણ કરીને ડ્યુટી બચાવવાનો કારસો DRI એ નિષ્ફળ બનાવ્યો હતો.

આ અગાઉ, DRI એ તુતીકોરિન બંદરેથી સોમાલિયાના નામે અને દુબઈ વાટે રુટ કરીને લાવવામાં આવેલું 14 મેટ્રિક ટન પાકિસ્તાની ‘ગુગ્ગુલ ગુંદર’ (કોમિફોરા રેઝિન) પણ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત રૂૂ.1.4 કરોડ હતી. ઉલ્લેખનીય છે કે ગુગ્ગુલ રેઝિન CITES પરિશિષ્ટ II માં સૂચિબદ્ધ છે અને IUCN રેડ લિસ્ટમાં અત્યંત ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે વર્ગીકૃત છે. આ કેસમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ટ્રાન્સ-શિપમેન્ટ કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.