ગુજરાતમાં એક તરફ મહિલા સશક્તિકરણ અને ’નારીશક્તિ’ના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મહિલાઓ સામેના ગુનાઓ અને ઘરેલુ હિંસાના કેસોમાં સતત વધારો ચિંતાજનક સ્થિતિ ઉભી કરી રહ્યો છે. તાજેતરના અહેવાલ અને સરકારી આંકડાઓ અનુસાર રાજ્યમાં દહેજ, ઘરેલુ હિંસા અને મહિલાઓ પર થતા અત્યાચારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.
અહેવાલ મુજબ વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં દહેજની માંગણીને કારણે 125 યુવતીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લગ્નસંબંધિત હેરાનગતિ અને ઘરેલુ ત્રાસના અનેક બનાવો પણ નોંધાયા છે.
આંકડાઓ મુજબ વર્ષ 2023ની સરખામણીએ 2024માં મહિલાઓ સામે થતા ગુનાઓમાં લગભગ 33 ટકા જેટલો વધારો નોંધાયો છે. ખાસ કરીને ઘરેલુ હિંસા, શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ સંબંધિત કેસોમાં વધારો ચિંતાજનક છે. રાજ્યમાં લગ્નસંબંધિત ગુનાઓ હેઠળ 486 યુવતીઓના અપહરણના કેસ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત અનેક પરિવારોમાં મહિલાઓને દહેજની માંગણી અને અન્ય કારણોસર માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો છે.
પોલીસ રેકોર્ડ મુજબ પતિ દ્વારા થતા અત્યાચારના 9182 જેટલા કેસ નોંધાયા છે. જેમાં મારપીટ, માનસિક ત્રાસ, શાબ્દિક અપમાન અને આર્થિક શોષણના મામલાઓ સામેલ છે. ’ઘરેલુ હિંસા અધિનિયમ-2005’ હોવા છતાં મહિલાઓ પર થતા અત્યાચારના કેસોમાં ઘટાડો જોવા મળતો નથી. વિશેષજ્ઞોના મતે કાયદાનો કડક અમલ ન થવો અને સમયસર ન્યાય ન મળવો આ સ્થિતિનું મુખ્ય કારણ બની રહ્યું છે.
સરકારી યોજના ’181 અભયમ’ હેલ્પલાઇન પર વર્ષ 2024 દરમિયાન 1.68 લાખથી વધુ કોલ આવ્યા હતા, જેમાંથી લગભગ 40 ટકા કેસ ઘરેલુ હિંસા સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. શહેરો અને ગામોમાં વિકાસના દાવાઓ વચ્ચે મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સતત વધતા આંકડાઓ રાજ્યમાં મહિલા સુરક્ષા વ્યવસ્થાની વાસ્તવિકતા પર ચર્ચા ઊભી કરી રહ્યા છે.
