100% ટેરિફ: કાયદા પર હસ્તાક્ષર સાથે ટ્રમ્પનો એકાધિકાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઇરાન પર પ્રતિબંધો વધુ આકરા બનાવતા એક મહત્ત્વપૂર્ણ કાયદા પર હસ્તાક્ષર કરી દીધા છે. આ નવા કાયદા હેઠળ રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ અને ગેસ ખરીદનારા દેશો, ખાસ કરીને ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ભારે ટેરિફ (આયાત શુલ્ક) લાદવાનો આત્યંતિક અધિકાર અમેરિકન પ્રમુખને પ્રાપ્ત થયો છે.

વ્હાઇટ હાઉસ દ્વારા શુક્રવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ’લિન્ડસે ઓ. ગ્રેહામ સેંક્શનિંગ રશિયા એન્ડ ઇરાન એક્ટ ઓફ 2026’ પર સહી કરી દીધી છે. બુધવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદા હેઠળ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો અને ટેરિફ લાદવાની સાથે ઇરાન પરના અગાઉના પ્રતિબંધોને પણ વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે.

આ કાયદો ખાસ કરીને રશિયન ઊર્જાના સૌથી મોટા ખરીદદારોને લક્ષ્યમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જો પ્રમુખ ટ્રમ્પ ભારત પર 100 ટકા ટેરિફ લાદવાનો આખરી નિર્ણય લે છે, તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની કિંમતોમાં જંગી વધારો થશે. આનાથી અમેરિકામાં નિકાસ કરતા ભારતીય વેપારીઓ અને નિકાસકારો પર ભારે આર્થિક દબાણ આવી શકે છે. કયા દેશ પર કેટલો ટેરિફ લાદવો તેનો આખરી નિર્ણય પ્રમુખ ટ્રમ્પ પોતે કરશે.

સાઉથ કેરોલિનાના દિવંગત સેનેટર લિન્ડસે ગ્રેહામના નામ પરથી બનાવવામાં આવેલા આ કાયદાને તૈયાર કરવામાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ કાયદા હેઠળ માત્ર તેલ ખરીદનારા દેશો જ નહીં, પરંતુ રશિયન અધિકારીઓ, રશિયન બેંકો અને રશિયન તેલની હેરફેર કરતી ‘શેડો ફ્લીટ’ (ગુપ્ત ટેન્કરો) ને પણ સીધી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે. ટૂંકમાં, અમેરિકાએ આ નવા કાયદા દ્વારા રશિયા અને ઇરાનની આર્થિક ઘેરાબંધી વધુ મજબૂત બનાવી દીધી છે.

CNN સહિત ત્રણ મીડિયા સંસ્થાઓ પર ટ્રમ્પનો પ્રતિબંધ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે CNN, Politico અને MS NOW ને વ્હાઇટ હાઉસમાંથી બેન કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે Truth Social પર પોસ્ટ કરીને આ મીડિયા સંસ્થાઓ પર સતત ’ફેક ન્યૂઝ’ પ્રકાશિત અને પ્રસારિત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ, ટ્રમ્પ પ્રશાસન અથવા અમેરિકાની કવરેજ દરમિયાન મીડિયા સંસ્થાઓને સતત ’કાલ્પનિક સમાચાર અને જૂઠ’ લખવાની કે રિપોર્ટ કરવાની મંજૂરી ન હોવી જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું કે, તાત્કાલિક અસરથી તેઓ CNN, MS NOW અને Politicoને વ્હાઇટ હાઉસમાંથી બેન કરી રહ્યા છે. તેમણે આ નિર્ણયનું કારણ આ મીડિયા સંસ્થાઓ દ્વારા સતત ’ફેક ન્યૂઝ’ રિપોર્ટ કરવાનું ગણાવ્યું. ટ્રમ્પે વધુમાં સંકેત આપ્યો કે અન્ય મીડિયા સંસ્થાઓ સામે પણ આવી કાર્યવાહી થઈ શકે છે. ટ્રમ્પે Politico અંગે આરોપ લગાવ્યો કે જો બાઇડનના કાર્યકાળ દરમિયાન અમેરિકી સરકારે તેને 8 મિલિયન ડોલરની સબ્સ્ક્રિપ્શન રકમ આપી હતી. ટ્રમ્પે આ રકમને લઈને સવાલ ઉઠાવ્યો અને તેને ભ્રષ્ટાચાર સાથે જોડ્યો. જોકે Politicoએ આ દાવાને ખોટો ગણાવ્યો છે અને કહ્યું છે કે આ બાબત અગાઉ જ ખોટી સાબિત થઈ ચૂકી છે.