Site icon Gujarat Mirror

યુવતીના ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.પર વાત કરતાં સગીરને મળવા બોલાવી 10 શખ્સોએ 7 કલાક સુધી ઢોર માર માર્યો

પડધરી તાલુકાના ન્યારા ગામે રહેતો સગીર યુવતીના નામના ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી પર વાત કરતો હતો. જે યુવતીના ફેક આઈ.ડી.પરથી સગીરને રાજકોટ મળવા બોલાવવામાં આવ્યો હતો. સગીર તેના મિત્રને લઈને રાજકોટ મળવા માટે આવ્યો હતો ત્યારે 10 શખ્સોએ યુવકનું 7 કલાક સુધી બાઈકમાં અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવી માર માર્યો હતો અને યુવકનો મોબાઈલ પડાવી 10 હજારની માંગણી કરી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીના ન્યારા ગામે રહેતા આર્યન સંજયભાઈ ખેતરીયા નામનો 17 વર્ષનો સગીર ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજકોટમાં આવેલ માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે હતો ત્યારે 10 થી 15 જેટલા અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. સગીરે ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.પ્રાથમિક પુછપરછમાં આર્યન ખેતરીયા ઈન્સ્ટાગ્રામમાં યુવતીના નામના ફેક આઈ.ડી.પર વાતો કરતો હતો. યુવતીના ફેક આઈ.ડી.પરથી આર્યન ખેતરીયાને રાજકોટ મળવા માટે બોલાવ્યો હતો. આર્યન ખેતરીયા પોતાના મિત્ર આર્યનને લઈને રાજકોટ માધાપર ખાતે પહોંચ્યો હતો ત્યારે ચાર શખ્સો ત્યાં ઉભા હતાં.

જેમાં મિત્ર આર્યનને માર મારતાં તે ભાગી ગયો હતો. જ્યારે આર્યન ખેતરીયાને બાઈકમાં બેસાડી ચારેય શખ્સોએ જુદા જુદા સ્થળે લઈ જઈ પોતાના સાગ્રીતોને ફોન કરી બોલાવ્યા હતાં અને 10 થી 15 જેટલા શખ્સોએ આર્યન ખેતરીયાનું 7 કલાક સુધી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવી માર માર્યો હતો અને અંતે ઈજાગ્રસ્ત આર્યન ખેતરીયાને ન્યારા ગામે છોડી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version