ગુજરાત

તહેવારમાં ડૂબી જવાની 7 ઘટનામાં 10નાં મોત

Published

on

ગુજરાતમાં દિવાળીના સપરમાં તહેવારો દરમિયાન ડૂબી જવાની અલગ અલગ સાત ઘટનાઓમાં દસ લોકોના મોત નિપજ્યા હતાં.


રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બેના મોત
રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા બે લોકો નહેરમાં ડૂબી રહેલી સગીરા અને કિશોરને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. સમગ્ર ઘટનામાં સગીરા અને તેને બચાવવા કેનાલામાં ઝંપલાવનાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું.


માંગરોળના મહુવેજ ગામે નહેરમાં ડૂબી જવાથી એકનું મોત
સુરતના માંગરોળના મહુવેજ ગામે જમાત માટે આવેલા બે યુવકો કાકરાપાર જમનાકાંઠાની નહેરમાં નહાવા પડ્યા હતા. નહેરમાં પાણી ઊંડું હોવાથી બંને યુવક ડૂબ્યા હતા. આ જોઈને સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવકની બચાવી લેવાયો હતો, જ્યારે અન્ય એક યુવકનું પાણીમાં ડૂબવાથી મોત થયું હતું.


માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા પુત્રનું મોત
કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.


બોપી ગામે નદીમાં ડૂબી જવાથી સગીરનું મોત
ધરમપુર તાલુકાના બોપી ગામે વહેતી નદીમાં નહાવા જતાં સગીર ભાઈ-બહેન નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેની જાણ રાહદારીને થતાં બાળકોને બચાવવાની કોશિશ કરી હતી. જેમાં આઠ વર્ષના ભાઈનું મોત નીપજ્યું, જ્યારે અગિયાર વર્ષની બહેનને બચાવી લેવાઈ હતી.


હળવદમાં કૂવામાં પડી જવાથી સગીરાનું મોત
હળવદના ધોબામાં વાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા વહેલી સવારે બહાર જતી વખતે અચાનક કુવામાં પડી હોવાની ઘટના બની હતી. જેમાં કુવામાં પાણી ભરેલું હોવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી.


ચોકી સોરઠ ગામે નદીમાં પડી જતા આધેડનું મોત
શહેરના ચોકી સોરઠ ગામે રહેતા 55 વર્ષીય રમેશભાઈ વીરાભાઈ વાઘેરા રાત્રિના સમયે ગામ પાસે આવેલી ઉબેણ નદીનાં પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન શેવાળનાં કારણે પગ લપસતા ઉબેણ નદીમાં પડી જતા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું હતું.


આંકલાવમાં બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત
જિલ્લાના આંકલાવ ગામે કબીરવડ પાસે રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારના ત્રણ બાળકો તળાવના કિનારે રમતા-રમતા પગ લપસી જતા તળાવમાં ડૂબી ગયા હતા. જેની જાણ પરિવારજનોને થતા તેઓ બાળકોને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાં ત્રણમાંથી એક ભાઈને બચાવી લેવાયો હતો. જ્યારે અન્ય બે ભાઈનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version