Site icon Gujarat Mirror

નામચીન ‘ભુરા’ના ત્રાસથી યુવકે CP ઓફિસમાં ફિનાઇલ પીધી

સાથે બેસવા જેવી બાબતમાં મિત્રને ધમકાવતા મધરાત્રે બે વાગ્યે પોલીસ કમિશનર કચેરીમાં આપઘાતનો પ્રયાસ

ભરત સોસા ઉર્ફે ભુરાએ તડીપારનો સમય પૂરો થતાં જ ફરી લખણ ઝળક્ાવ્યા, અગાઉ ખૂન સહિત અનેક ગુનાઓમાં પકડાઇ ચૂકયો છે

રાજકોટ શહેરમાં હવે ગુંડાગીરીએ માઝા મુકી છે. રોજબરોજ શહેરમાં કોઇને કોઇ વિસ્તારોમાં નજીવી બાબતે મારામારીની ઘટનાઓ બનતી રહે છે. તેમજ છેલ્લા એક મહીનામાં હત્યાની ર ઘટનાઓ પોલીસ ચોપડે ચડી ચુકી છે. ત્યારે જાગૃતિ નાગરીકોમાં પોલીસ પોતાનુ વલણ કડક કરે અને ગુનોગારોમાં કોઇ ધાક બેસાડે તેવી કામગીરી કરે તેમજ ગૃહમંત્રીએ કહયા મુજબ ગુનેગારોનો વરઘોડો કાઢે અને જરૂર પડયે ડંડાનો ઉપયોગ કરે તેવી કાર્યવાહી કરવી જરૂરી બની છે.

ત્યારે રાજકોટ શહેરમાં હવે અસામાજીક તત્વોને પોલીસનો કોઇ ડર રહયો ન હોય તેમ ગમે ત્યારે સરાજાહેર છરી, ધોકા, પાઇપથી હુમલો કરી આતંક ફેલાવતા અનેક બનાવો બની રહયા છે. ત્યારે રાજકોટ શહેરમાં એક ગેંગ ફરી એકટીવ થઇ હોય તેમ આ ગેંગ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા લોકોની માગ ઉઠી છે. રાજકોટ શહેરમાં યુનિવર્સીટી રોડ પર મકાનો ખાલી કરાવવા મુદે એક વેપારીની હત્યાના ગુનામાં સંડોવાયેલા નામચીન શખ્સના ત્રાસથી ગઇકાલે રાત્રે એક યુવાને પોલીસ કમિશનર કચેરીમાં ફીનાઇલ પી જઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ યુવાનને હાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાનનુ પ્રનગર પોલીસના સ્ટાફે નિવેદન લીધુ હતુ. બપોર સુધી કોઇ ફરીયાદ નહી નોંધાયાનુ જાણવા મળી રહયુ છે. શહેરના મોરબી રોડ પર આવેલા સ્વસ્તિક વિલામાં રહેતા અને કડીયા કામ કરતા ભાવેશભાઇ ડાયાભાઇ બગડા નામના ર6 વર્ષના યુવાને ગઇકાલે મોડી રાત્રે બે વાગ્યે પોલીસ કમિશનર કચેરીમાં ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા તેમને પોલીસ સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનીક પ્રનગર પોલીસ મથકને જાણ કરતા સ્ટાફે ભાવેશનુ નિવેદન લઇ ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.


ભાવેશે આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે પોતે પોતાની બેઠક ક્રિસ્ટલ મોલની સામે રાણી ટાવરની પાસે હોય ગઇકાલે પોતે ત્યા બેઠો હતો ત્યારે ત્યા અગાઉના મિત્ર ભરત સોસા ઉર્ફે ભુરો ત્યા આવ્યો હતો અને તુ અહીયા બેસવા ન આવતો. તેમ કહી ધમકી આપી હતી અને ત્યારબાદ પોતે ત્યાથી જતો રહયો હતો અને થોડીવાર બાદ કોઇ મિત્રએ ભાવેશને જાણ કરી હતી કે ભરત તને શોધે છે. જેથી તેમના ડરથી અને ત્રાસથી ભાવેશે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ આજે બપોરના સમયે નામચીન ભરત સોસા જે ભુમાફીયા તરીકે ઓળખાતા હોય તેમના ત્રાસનો ભોગ બનેલા લોકો પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હતા અને તેમાના ચેતન રાઠોડ નામના યુવાને આક્ષેપો રજુઆત કરતા જણાવ્યુ હતુ કે આ ભરત સોસા ઉર્ફે ભુરો અગાઉ યુનિવર્સીટી રોડ પર મકાનો ખાલી કરવા મામલે એક વેપારીની હત્યાના બનાવમાં સંડોવાયેલો હતો.

આ બનાવ બાદ તેમને જામીન મળતા તેમને તડીપાર કરી દેવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ગૌતમ મકવાણા જે પણ રાણી ટાવર પાસે બેઠો હોય તેમને ચારેક દિવસ પહેલા ભુરો, ભુરાનો ભાણેજ મયુર સોલંકી, પરેશ ઉર્ફે પપ્પુ અને અવિનાશ રાઠોડ અને બે અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો અને તેઓએ ધમકી આપી હતી કે આ બાજુ દેખાતા નહી નહીં તો મારી નાખીશ. આ મામલે ગૌતમ મકવાણાએ ભુરા તેમજ તેમના માણસો વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અંગે અરજીની જાણ થતા ભુરાની ટોળકીના હરમીત રૂપારેલ, હેમરાજ રાઠોડ, પરેશ ઉર્ફે પપ્પુ અને અવિનાશ રાઠોડ સહીતનાઓ ગૌત્મના ઘરે પહોચ્યા હતા અને તેને ઘરેથી વાહનમાં બેસાડી રાણી ટાવરમાં આવેલી ભરત સોસાની ઓફીસે લઇ આવ્યા હતા અને ત્યા અરજી પાછી લેવાનુ કહી ખુનની ધમકી આપી હતી.

નવા કાયદામાં સંગઠિત ગુનાની કલમ આવતા ગેંગમાંથી માણસો ઓછા થતા ભુરો ‘ભુરાયો’ થયો

ચેતન રાઠોડે પોતાના આવેદન પત્રમાં જણાવ્યુ હતુ કે ભરતે ધમકી આપતા કહયુ હતુ કે મર્ડરના ગુનામાં 12 દિવસમાં છુટી જતા હોય તો તારા આ ગુનામાં પોલીસ કાઇ કરી નહી શકે. ત્યારબાદ ભુરાએ થોડા દિવસ પહેલા અનમોલને એમ. જી. હોસ્ટેલમાં લઇ જઇ ઢોર માર માર્યો હતો. જેથી ભોગ બનનાર લોકોએ ભુરાની ગેંગમાંથી છુટકારો અપાવવા પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. હાલ એવુ જાણવા મળ્યુ છે કે ભારતીય ન્યાય સંહીતાની સંગઠીત ગુનાની નવી કલમ આવતા જ ભુરાની ગેંગમાથી લોકો છુટા થવા લાગ્યા હતા અને અમુક મજુરીએ તેમજ પોતાનો અભ્યાસ પુરો કરવામાં લાગી ગયા હતા. જેથી ભુરાએ જેટલા લોકો એમની ગેંગમાંથી છુટા થયા તે લોકોને શોધી શોધીને ધમકી આપવા લાગ્યો હતો.

Exit mobile version