જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એસઆરપીના એક જવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. લોકરક્ષક ની પરીક્ષા આપવા માટે બાઈકમાં રાજકોટ જતાં રસ્તામાં ગોજારો અકસ્માત નડ્યો હતો, અને પરિવારમાં ભારે કરુણતા છવાઇ છે. જયારે એસઆરપી ના જવાનની બે વર્ષની પુત્રી એ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના વતની અને હાલ જામનગર નજીક ચેલામાં એસઆરપી કેમ્પ માં ફરજ બજાવતા રાહુલ મનસુખભાઈ કણેત (ઉંમર વર્ષ 30) કે જેઓ ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાના વતન મોટી ગોપ ગામથી બાઈક પર બેસીને રાજકોટમાં યોજાનારી લોકરક્ષક ની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા, જે દરમિયાન સમાણાં ગામ પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી જીજે 10 ડી.આર.9212 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં એસઆરપીના જવાન બાઈક સવાર રાહુલભાઈ મનસુખભાઈ કણેત ને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી અને તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે મૃતક ના પિતા મોટી ગોપ ગામમાં ખેતી કામ કરતા મનસુખભાઈ સાજણભાઈ કણેતે શેઠવડાળા પોલીસમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને એસઆરપી ના જવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જયારે સમગ્ર અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક એસઆરપીના જવાન રાહુલ કે જેઓ ત્રણ વર્ષથી એસઆરપી માં ફરજ બજાવે છે, પરંતુ લોકરક્ષક ની પરીક્ષા આપવી હોવાથી તેઓએ મંજૂરી મેળવીને રાજકોટમાં યોજાનારી પરીક્ષા આપવા માટે ગઈકાલે સાંજે પોતાના બાઈક પર બેસીને રાજકોટ જઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં આ અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતને લઈને મૃતકના પરિવારમાં ભારે કરૂૂણાંતીકા છવાઇ છે.
રાહુલભાઈ ના પત્ની હિરલબેન તેમજ તેની બે વર્ષની પુત્રી દિયા કે જેણે પિતાનું છત્ર ગુમાવ્યું છે. તેઓએ હૈયાફાટ રૂૂદન કર્યું હતું, અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

