ક્રાઇમ

ધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાત

Published

on

કૌટુંબિક મનદુ:ખનો ખાર રાખી યુવતીને દાતરડું ઝીંકી પતાવી દીધી, યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું : યુવાન વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો, બંન્ને પરિવારમાં શોક છવાયો

ધોરાજીનાં તાલુકાના તોરણીયા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતી યુવતીને તેના સગા મામાના દીકરાએ દાતરડાનો એક ઘા ઝીંકી પતાવી દીધી હતી અને પોતે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી પરંતુ હોસ્પિટલે તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
ઘટનાના પગલે પોલીસ કાફલો ધસી ગયો હતો અને આરોપીના સગડ મેળવી ધરપકડ કરવા કાર્યવાહી શરૂૂ કરે તે પહેલાં જ સમાચાર આવ્યા કે સીમમાં થોડે દુર આવેલા ખેતરમાં આરોપીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આથી પોલીસે તેનો મૃતદેહ ધોરાજી સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ઘટનાની વધુ તપાસ પીઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.સમગ્ર ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર તોરણીયામાં રહેતા જીવનભાઇ ડાભીની પુત્રી હરમીત ઉ.વ.22 ખેતમજૂરી માટે ગઇ હતી ત્યારે સાંજના 6 કલાક આસપાસ જીવનભાઇના સગા સાળાનો દીકરો જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇ ત્યાં ધસી ગયો હતો અને જૂના મનદુ:ખનો ખાર રાખીને દાતરડાનો એક જોરદાર ઘા હરમીતને ઝીંકી દીધો હતો.જેના પગલે હરમીત લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડી હતી.
બાદમાં જીજ્ઞેશ ત્યાંથી નાસી છૂટ્યો હતો. પરિવારજનો હરમીતને લઇ હોસ્પિટલ પહોંચે તે પહેલાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતુ અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ આ કેસના કાગળો તૈયાર કરી રહી હતી એવામાં વધુ એક સમાચાર આવ્યા કે આરોપીએ આ ઘટના બની તેનાથી થોડે દુર ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આથી પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને જીજ્ઞેશના મૃતદેહને સિવિલમાં ખસેડી આગળની કાર્યવાહી શરૂૂ કરી હતી.

હરમીતના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે મારી નાની દીકરીએ પ્રેમલગ્ન કર્યા છે અને જે તે સમયે જીજ્ઞેશના પરિવારે તેમાં દરમિયાનગીરી કરી સમજાવટના પ્રયાસો કર્યા હતા અને ત્યારથી અમારા કુટુંબ વચ્ચે મનમેળ નથી અને સંબંધ પણ નથી.જીજ્ઞેશે કૌટુંબિક મનદુખનો ખાર મારી દીકરી પર ઉતારીને તેને મારી નાખી છે.

10મી તારીખે યુવતીની સગાઇ હતી
મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરીના લગ્ન દેવરકી ગામમાં રહેતા યુવાન સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને અમારા સમાજના રીતિ રિવાજો મુજબ 10મીએ તેની સગાઇ રાખવામાં આવી હતી ત્યારે અમને ક્યાં ખબર હતી કે હવે દીકરી જ નહીં હોય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version