Site icon Gujarat Mirror

વીજતારને સળિયો અડી જતાં કરંટ લાગતા શ્રમિક યુવાનનું મોત

oplus_2097184

ઓરિસ્સાનો યુવાન કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતો’તો

શહેરની ભાગોળે કણકોટ નજીક વાડીમાં રૂમની છત ભરવાનું કામ કરતી વેળાએ વીજતારને સળીયો અડી જતાં કરંટ લાગવાથી ઓરિસ્સાના શ્રમિક યુવાનનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઓરિસ્સાનો વતની અને હાલ નવા 150 ફુટ રીંગ રોડ પર વેગડ ચોકડી પાસે રહેતો અને મજુરી કામ કરતો તુમેશ્ર્વર સન્યાસી કરૂઆ (ઉ.23) નામનો યુવાન આજે સવારે કણકોટ નજીક વાગુદડ જવાના રસ્તે દિનેશભાઈ સોરઠીયાની વાડીમાં રૂમની છત ભરવા માટે ખીલાસળી બાંધી રહ્યો હતો ત્યારે અકસ્માતે ઉપરથી પસાર થતી વીજલાઈનને સળીયો અડી જતાં વીજશોક લાગતાં તુમેશ્ર્વર બેભન થઈ ઢળી પડયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આશાપુરાનગરમાં એસીડ પી લેનાર પ્રૌઢનું મોત
કોઠારીયા રોડ પર આવેલા આશાપુરાનગર શેરી નં.2માં રહેતા અશ્ર્વિનગીરી દેવગીરી ગૌસ્વામી (ઉ.55) નામના પ્રૌઢે ગત તા.8નાં પોતાના ઘરે એસીડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતકના મોટાબાપુનો દિકરો મુન્નો બિમાર હોય તેને જોઈ ન શકતા આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Exit mobile version