Site icon Gujarat Mirror

ગાંધીધામ રેલવે સ્ટેશન પરિસરમાં પૈસાની લેતી-દેતી મામલે શ્રમિકની હત્યા

શહેરના રેલવે મથકનાં સંકુલમાં બહાર જવાના ગેટ નજીક એક મહિનાની મજૂરીના નીકળતા પૈસાની લેતીદેતી મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ઉત્તરપ્રદેશના મુસ્તાક સરાજુદ્દીન અંસારી (ઉ.વ.40)ને આડેધડ માર મારી તેની હત્યા નીપજાવી હતી. મારામારી દરમ્યાન રેલવેના હોમગાર્ડએ આરોપીને પકડી પાડયો હતો.

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં રહેનાર આરોપી એવો અનિલકુમાર રામ આશિષ યાદવ તથા કુશીનગર ઉત્તરપ્રદેશના મુસ્તાક અંસારી એક મહિના પહેલા અહીં મજૂરી કામ અર્થે આવ્યા હતા. મુસ્તાક આ અનિલને અહીં લાવ્યો હતો. રાપર ખાતે પાઇપની મજૂરીના એક મહિના બાદ આરોપીએ મુસ્તાક પાસેથી હિસાબ માગ્યો હતો અને મહિનાનો પગાર કરી આપવા કહ્યું હતું. બાદમાં ગઇકાલે આ બંને પરત ઉત્તરપ્રદેશ જવા રાપરથી ગાંધીધામ આવ્યા હતા, પરંતુ ઉત્તરપ્રદેશની ટ્રેન મળી ન હતી. તેવામાં આ બંને રેલવે મથક બાદ જવાના ફૂટપાથ બાજુ હતા તેવામાં આરોપીએ ફરીથી મહિનાના પગાર અંગે વાત કરતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

જેમાં ઉશ્કેરાયેલા અનિલે આ મુસ્તાકને ચહેરા, છાતી, પીઠ, ખભા, કમરના ભાગે લાતો, મુક્કાઓ વડે માર માર્યો હતો. મારામારી ચાલી રહી હતી તેવામાં રેલવે પોલીસમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ વાળા ત્યાંથી નીકળતાં આરોપી અનિલ હિન્દીમાં આજ તુજે જિંદા નહીં છોડુંગા, સાલે આજ તો તુજે માર હી ડાલું તેમ કહી નીચે પડેલા મુસ્તાક ઉપર લાતો વડે માર મારી રહ્યો હતો.

જે જોઇને હોમગાર્ડએ વચ્ચે પડી આરોપીને દૂર કરી તેને રેલવે પોલીસ મથકે લઇ જવાયો હતો અને 108ને ફોન કરી ઘવાયેલા યુવાનને સારવાર માટે પહોંચાડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કરતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. રેલવે પીએસઆઇ જાહીદ બહાઉદ્દીન કુરેશીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેમજ મૃત્યુ પામનારા યુવાનના સંબંધીઓને બનાવની જાણ કરવામાં આવી હતી. મજૂરીના પૈસા મુદ્દે યુવાનની હત્યાના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.

Exit mobile version