જેતપુર શહેરમાં મહિલા વ્યાજખોરે આંતક મચાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. પિતાની હૃદયરોગની સારવાર માટે મજબૂરીમાં વ્યાજે નાણાં લેનાર યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી, તેના સોનાના દાગીના બળજબરીથી પડાવી લેતા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના સૂર્ય વંદના કોમ્પ્લેક્ષમાં રહેતા સુરેશભાઈ ધાધલે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2021 માં તેમના પિતાને હાર્ટ એટેક આવતા સારવાર માટે મોટી રકમી જરૂૂરિયાત ઊભી થઈ હતી. આ સમયે તેમના મિત્ર મારફતે જેતપુરના મનીષાબેન ઉર્ફે મચ્છાબેન કરપડાનો સંપર્ક થયો હતો. મનીષાબેને ફરિયાદીને માસિક 2 ટકાના ઉંચા વ્યાજે કટકે-કટકે કુલ રૂૂ. 4,50,000 આપ્યા હતા. આરોપી મહિલાએ માત્ર વ્યાજ વસૂલવા પર જ સંતોષ ન માન્યો, પરંતુ ફરિયાદીની ઈંઈંઋક ગોલ્ડ લોન ભરપાઈ કરાવી તેમના સોનાના દાગીના જેમાં હાર, વીંટી, ચેઈન, બુંટી અને ચાંદલો બળજબરીથી પોતાની પાસે ગીરવે રાખી લીધા હતા.
ફરિયાદીએ અત્યાર સુધીમાં આશરે રૂૂ. 1.50 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, જ્યારે તેઓ પોતાની મૂડી પરત કરવા ગયા ત્યારે મહિલાએ વધુ નાણાંની માંગણી કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી જ્યારે રૂૂ. 2 લાખની મૂડી પરત આપી દાગીના છોડાવવા ગયા, ત્યારે આરોપી મહિલાએ રૂૂ. 3.50 લાખ વ્યાજ અને 1 લાખ પેનલ્ટી એમ કુલ રૂૂ. 6.50 લાખની માંગણી કરી હતી. આટલું જ નહીં, આરોપીએ ફરિયાદીના ઘરે જઈ તેમની માતા અને બહેન પાસે પણ ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપ્યો હતો.
જેતપુર સીટી પોલીસે આ મામલે મનીષાબેન કરપડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2) અને ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 40 અને 42 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

