સગાઈ બાદ જસદણથી રાજકોટ ખરીદી કરી લાઠી કંકુ પગલા કરવા પહોંચે તે પહેલા જ કાળે આંતરી
આટકોટ નજીક બે કાર અથડાતા સવારે સર્જાયેલો અકસ્માત, મંગેતર અને તેના ભાઈને પણ ઈજા
રાજકોટના આટકોટ-ગોંડલ રોડ પર ખારચીયા ગામ પાસે રવિવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ફૂલ સ્પીડે આવી રહેલી ગ્રાન્ડ વિટારા કારે સામેથી આવતી નેક્સન કારને જોરદાર ટક્કર મારતા ભાવી ક્ધયાનું મોત નીપજ્યું છે, જ્યારે ભાવી ભરથાર અને દિયર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત સારવાર માટે જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મંગેતર સાથે રાજકોટ ખરીદી કરવા આવ્યા બાદ સાસરે કંકુ પગલા કરવા જતા પૂર્વે જ ક્ધયાનું અકસ્માતમાં મોત થતા સસરા અને પિયર પક્ષમાં શોક વ્યાપી ગયો હતો.
મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના લાઠી ખાતે રહેતા અને અમરેલીના લાઠી રહેતા અને શ્રીજી લેબોરેટરી ચલાવતા હિતેશભાઈ મધુભાઈ ડેર (ઉં.વ. 24) તેના મોટા ભાઈ સંજયભાઈ સાથે રવિવારે સવારે નેક્સન કાર નંબર જીજે -03-કેપી-3919 લઈને જસદણ પહોંચ્યા હતા. સંજયભાઈની સગાઈ ચાર મહિના પહેલા જસદણની વૈશાલીબેન સાથે થઈ હતી.
પરિવારમાં ખુશીનો માહોલ હતો અને આગામી દિવસોમાં યોજાનારા ’કંકુ પગલા’ના પ્રસંગ માટે ખરીદી કરવા આ બંને ભાઈઓ વૈશાલીબેનને સાથે લઈને ગોંડલ અને રાજકોટ જવા નીકળ્યા હતા. સવારે આશરે 10:00 વાગ્યાની આસપાસ જ્યારે તેમની કાર આટકોટ-ગોંડલ હાઈવે પર ખારચીયા ગામથી આગળ પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતી એક બ્લુ કલરની ગ્રાન્ડ વિટારા નંબર જીજ્ર-11-ડીબી-0845 ના ચાલકે પોતાનું વાહન અત્યંત ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી નેક્સન કાર સાથે ધડાકાભેર અથડાવ્યું હતું.
ઘટનાસ્થળે જ કરૂૂણ દ્રશ્યો સર્જાયા અકસ્માત એટલો ભયાનક હતો કે નેક્સન કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર ચલાવી રહેલા હિતેશભાઈ કારની બહાર નીકળીને જોયું તો પાછળની સીટ પર બેઠેલા વૈશાલીબેનને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થવાથી લોહી વહી રહ્યું હતું. જ્યારે તેમના ભાઈ સંજયભાઈ બેભાન અવસ્થામાં હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ત્રણેય ઈજાગ્રસ્તોને આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ વૈશાલીબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
જે ઘરમાં થોડા દિવસોમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી, ત્યાં આ સમાચાર મળતા જ માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતમાં હિતેશભાઈ અને તેના ભાઈને ઈજાઓ થઈ છે, જ્યારે સંજયભાઈને બંને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે આટકોટ પોલીસ મથકે હિતેશભાઈ ડેરે ગ્રાન્ડ વિટારાના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ મામલે આટકોટ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 106(1), 281, 125(એ), 125(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 184 અને 177 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર ગ્રાન્ડ વિટારા કારનો ચાલક રોંગ સાઈડમાં અને અતિશય ઝડપે આવી રહ્યો હતો, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ કેસની તપાસ એએસઆઈ મનેશભાઈ પાંચાભાઈ પરમાર ચલાવી રહ્યા છે.
લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી, ત્યાં માતમ છવાયો
અમરેલીના લાઠી ખાતે રહેતા સંજયભાઈની સગાઈ ચાર મહિના પહેલા જ જસદણની વૈશાલીબેન સાથે થઈ હતી, 24 વર્ષીય હિતેશભાઈ મધુભાઈ ડેર મોટા ભાઈ સંજયભાઈ સાથે નેક્સન કાર લઈને જસદણ પહોંચ્યા હતા. આગામી દિવસોમાં સંજય અને વૈશાલીબેનના લગ્ન લેવાના હોય તે પૂર્વે વૈશાલીબેનના ઘરે કંકુ પગલા’ના પ્રસંગની ખરીદી માટે બંને ભાઈઓ રાજકોટ આવવાના હતા. વૈશાલીબેનને સાથે લઈને ગોંડલ જવા નીકળ્યા હતા. આ દરમિયાન આટકોટ-ગોંડલ હાઈવે પર ખારચીયા ગામ પાસે સામેથી આવતી ગ્રાન્ડ વિટારા કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં વૈશાલીબેનનેનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા.બનાવથી વૈશાલી બેન અને સસરાના ઘરમાં લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી, ત્યાં માતમ છવાયો હતો.

