Site icon Gujarat Mirror

હોસ્ટાઇલ જાહેર થતા સાક્ષી સાવધાન: હત્યાના ગુનામાં ફરી ગયેલા છ સાક્ષીને એક માસની સજા

સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન ગણાવી સુરત સેશન્સ કોર્ટેનો મહત્ત્વ અને દાખલા રૂપ ચુકાદો

સુરત સેશન્સ કોર્ટે તાજેતરમાં એક ચકચારી હત્યા કેસમાં જાણીજોઈને ફરી ગયેલા છ સાક્ષીઓને એક માસની કેદની સજા ફટકારીને ન્યાયિક જગતમાં દાખલો બેસાડ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ભગવાન નગર સોસાયટીમાં ગત 5 નવેમ્બર 2021ના રોજ કાળુ ઉર્ફે કિશન બારૈયા નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે દિપેશ ઉર્ફે બાબુ કંટારીયા નામના આરોપીની ધરપકડ કરી હતી. કેસની ગંભીરતાને જોતા પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની ટ્રાયલ દરમિયાન જ્યારે મહત્વના સાક્ષીઓની જુબાની લેવાની શરૂૂઆત થઈ, ત્યારે આશ્ચર્યજનક રીતે છ સાક્ષીઓ પોતાની અગાઉની પોલીસ સમક્ષ આપેલી જુબાનીથી ફરી ગયા હતા. તેઓએ સોગંદ પર અદાલતમાં ખોટો પુરાવો આપ્યો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાક્ષીઓના આ નકારાત્મક વલણ અને પુરાવાના અભાવે મુખ્ય આરોપી દિપેશ ઉર્ફે બાબુ કંટારીયા નિર્દોષ છૂટી ગયો હતો.

આરોપી ભલે છૂટી ગયો, પણ ન્યાયતંત્ર સાથે રમત રમનાર સાક્ષીઓને કોર્ટે છોડ્યા નહીં. સેશન્સ કોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી અને આરોપીને મદદ કરવાના બદઈરાદાથી ખોટી જુબાની આપવા બદલ સાક્ષીઓ વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-344 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. કોર્ટે આ તમામ સાક્ષીઓને કારણ દર્શક નોટિસ ફટકારી હતી કે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી?

સજા પામનાર સાક્ષીઓની યાદી કોર્ટના આકરા વલણ બાદ છ સાક્ષીઓને સજા ફટકારવામાં આવી છે. જેમાં નિખીલ ઉર્ફે ખાટો નાનજીભાઇ મારૂૂ, કરણ ઉર્ફે કલ્લુ દિનેશભાઇ રાઠોડ, ગૌતમ કાળુભાઇ ગોહિલ,ધર્મેશ હિંમત ભાઇ મિયાત્રા,કિરણ નરેશભાઇ અણજારા, પુજાબેન અમરતભાઇ નાગર સામેલ છે. અદાલતે આ તમામને એક માસની સાદી કેદ અને રૂૂ. 300 નો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે. ’સાક્ષીઓ ફરી જાય એ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન’ ચુકાદો આપતા કોર્ટે અત્યંત ધારદાર અવલોકન કર્યું હતું કે,હત્યા જેવા ગંભીર ગુનામાં જ્યારે સાક્ષીઓ જાણીજોઈને ફરી જાય, ત્યારે તેને હળવાશથી ન લેવાય. આ ન્યાયની પ્રક્રિયા પર સીધી તરાપ મારવા સમાન છે.

કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે જો આવા સાક્ષીઓ સામે કડક હાથે કામ લેવામાં ન આવે, તો સામાન્ય જનતાનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. અદાલતની ફરજ છે કે તે મૂકપ્રેક્ષક બનીને બેસી ન રહે.વકીલ અશ્વિન જોગડિયાએ જણાવ્યું હતું કે , સુરત કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી એ સ્પષ્ટ સંદેશ ગયો છે કે અદાલતમાં આવીને સોગંદ પર ખોટું બોલવું એ ગુનો છે. સરકારી વકીલ દીપેશ દવે અને ફરિયાદી પક્ષના વકીલોની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જેલની સજા સંભળાવી છે. આ હુકમથી હવે સાક્ષીઓ કોર્ટમાં નિવેદન આપતા પહેલા સો વખત વિચારશે, જે લાંબે ગાળે ન્યાય પ્રણાલીને મજબૂત બનાવશે.

Exit mobile version