Site icon Gujarat Mirror

એલઆઇસી સોસાયટીમાં વેપારીના નવા બનતા મકાનમાંથી 80 હજારનું વાયરિંગ ચોરાયું

દીવાળીના તહેવારોમાં તસ્કર કળા કરી ગયા, સીસીટીવી ફુટેઝના આધારે તપાસ

શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા ફુડ પ્રોડકટના વેપારીના મકાનમાંથી 80 હજારના વાયરના બંડલની ચોરી કોઇ તસ્કર કરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધવામાં આવી છે. આ ઘટનાને લઇ પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે આરોપીની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ એલઆઇસી ઓફીસ પાસે આવેલી જનતા સોસાયટીમાં રહેતા ધર્મેશભાઇ મોહનભાઇ ડોબરીયા (ઉ.વ. 46) એ પોતાની ફરીયાદમાં જણાવ્યુ હતું કે તેઓ પિતરાઇ ભાઇ પિયુષભાઇ જેન્તીભાઇ ડોબરીયા એમ બંને કોઠારીયા બાયપાસ રીંગ રોડ પાસે જયંત ફુડ પ્રોડકટ નામનું મેન્યુફેકચરીંગ કરી વેપાર કરે છે.

ગઇ તા. 9 ના રોજ સવારના સમયે પિયુષનો ફોન આવ્યો હતો અને તેમણે ધર્મેશભાઇને જણાવ્યુ હતું કે પોતાનું એલઆઇસી સોસાયટી શેરી નં ર માં બની રહેલા નવા મકાનના બાથરૂમમાં રાખેલુ વાયરીંગ ત્યા વાયરીંગનું કામ કરવા આવેલા માણસોને મળતુ નથી અને પોતે લખનઉ ખાતે હોવાનુ જણાવી ધર્મેશભાઇને નવા બની રહેલા મકાનમાં જોવા મોકલ્યા હતા. ત્યારબાદ ધર્મેશભાઇ પિયુષભાઇના નવા બની રહેલા મકાને પહોંચતા જાણવા મળ્યુ હતું કે પિયુષભાઇએ મકાનના બાથરૂમમાં રાખેલા રૂા. 80 હજારના વાયરના બંડલ કોઇ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યુ હતું ત્યારબાદ આ ઘટના અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી છે. તેમજ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ હતું કે દિવાળીના તહેવારમાં તસ્કરોએ ચોરી કરી હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળી રહયું છે.

Exit mobile version