Site icon Gujarat Mirror

પતિ સાથે ઝઘડો થતા પેટ્રોલ છાંટી જાત જલાવનાર પત્નીનું સારવારમાં મોત

શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી પરિણીતાએ પતિને ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ તેમ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થતા તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. જાતે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ જયારે ઠારવા જતા પતિ પણ દાઝી જતા બંન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર નવલનગર શેરી નં.9માં રહેતી દિપાલી મીલનભાઇ ઝાલા (ઉ.વ.22)નામની પરિણીતાએ ગઇકાલેે સવારે પોતાના ઘરે જાતે શરીરે પેટ્રોલ છાટી અગ્નિસ્નાન કરી લીધુ હતુ તેનો પતિ ઠારવા જતા તે પણ હાથના ભાગે અને કપાળે દાઝી જતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબિબો દ્વારા સારવાર શરૂ કરી હતી. ગંભીર હાલતમાં દાઝેલી પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક તપાસમાં દિપાલીના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. પતિ મિલન કારખાના કામ કરે છે. મિલન મોબાઇલમાં પીકચર જોતો હોવાથી દિપાલીએ ‘તુ મારામાં ધ્યાન નથી આપતો, મોબાઇલમાં જ રહે છે’ અને તુ કેમ બહાર ફાકી ખાવા જાય છે તેમ કહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતોે. બાદમાં તેણીએ રાત્રે બાઇકમાંથી પેટ્રોલ કાઢી લીધુ હોય સવારે પરિવારજનો કામ નીકળી ગયા બાદ તેણીએ અગ્નિસ્નાન કરી લીધુ હતું. પતિ મિલન કારખાને જવા નીકળ્યો હતો અને ઘર પાસે ફાકી ખાઇ પરત ઘરે આવતા ઉપરના રૂમમાં પત્ની સળગતી હોય તેને ઠારવા જતા તે પણ દાઝી ગયો હતો અને રૂમમાં ગાદલુ અને ઘરઘંટીનુ કવર પણ સળગી ગયું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ બનાવ અંગે પોલીેસે વધુ તપાસ હાથ ધરી છેે.

Exit mobile version