Site icon Gujarat Mirror

નવાગામમાં દંપતી વચ્ચે રકઝક થતા પત્નીએ એસિડ પી લીધુ

ઇશ્ર્વરીયામાં ઝેરી ધાતુનું ડબલુ માથે પડતા યુવાનના મોઢે છાંટા ઉડતા સારવારમાં ખસેડાયો


શહેરની ભાગોળે આવેલા નવાગામ આવાસ ક્વાર્ટરમાં રહેતા દંપતી વચ્ચે રકઝક થતા પત્નીએ એસિડ પી આપઘાત કરી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા નવાગામ આવાસ ક્વાર્ટરમાં રહેતી અલકાબેન રમેશભાઈ વાળોદરા નામની 40 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી.

ત્યારે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં અલકાબેન વાળોદરાના 24 વર્ષ પૂર્વે લગ્ન થયા છે. તેણીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે અલકાબેન વાળોદરા અને તેના પતિ રમેશભાઈ વાળોદરા વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા તેણીને માઠુ લાગી આવતા એસિડ પી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જંકશન પ્લોટમાં આવેલા હંસરાજનગરમાં રહેતા મુકેશ રતિલાલભાઈ ચાવલીયા નામનો 37 વર્ષનો યુવાન જામનગર રોડ ઉપર ઈશ્વરીયા ગામે પોતાના મિત્ર રોહિતની વાડીએ હતો. ત્યારે ઝેરી ધાતુનું ડબલુ માથે પડ્યું હતું. જે ઝેરી ધાતુ મોઢા ઉપર ઉડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version