પોલીસ કમિશનર સમક્ષ પિતા-પુત્ર સહિત ચાર સામે કાર્યવાહી કરી ન્યાય અપાવવા અને રક્ષણ આપવા માંગણી
રાજકોટમાં એક પાટીદાર સમાજની વિધવા મહિલાને તેના જ પરિવારજનો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહી હોવાનો અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલ મુંબઈમાં રહેતી અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે રડતાં રડતાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી ન્યાયની માગ કરી છે.
આ મામલે લક્ષ્મીનગર મેઈન રોડ રાધાનગર અનુરાધા એપાર્ટમેન્ટ-202માં રહેતા અંજુબેન પરેશભાઈ અમૃતલાલ અમૃતિયાએ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં પંચવટી રોડ ઉપર દેવાગન એપાર્ટમેન્ટમાં રેહતા આનંદ દિનેશભાઈ અમૃતિયા, દિનેશ અમૃતભાઈ અમૃતિયા, અમીન માર્ગ, કુનદન પટેલની બાજુમાં રહેતા બીપીનભાઈ અમૃતિયા, તેમજ ભાયાવદર રહેતા અશોકભાઈ અમૃતિયાનું નામ આપ્યું છે. અરજીમાં અંજુબેને જણાવ્યું કે, તેમના લગ્ન તા.23/05/1999 ના રોજ જામજોધપુર મુકામે પરેશભાઈ અમૃતલાલ અમૃતિયા સાથે થયા હતા. લગ્ન જીવનથી તેમને સંતાનમાં એકમાત્ર પુત્રી ક્રિષ્ટિના જે હાલ મુંબઈ રહે છે. પતિ પત્નિ વચ્ચે મનમેળ નહી આવતા ધોરાજી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અરજી કરી હતી. બાદમાં ગઈ તા.7/9/2024 ના રોજ પતિ પરેશભાઈ અમૃતલાલ અમૃતિયાનું અવસાન થયું હતું. પરેશભાઈના અવસાન બાદ કુટુંબનાં તમામ પુરૂૂષ અને મહિલા સભ્યોનો ડોળો અમારા ગુજરનાર સ્વ. પરેશભાઈ અમૃતલાલ અમૃતિયાની સ્થાવર જંગમ મિલકત અને તેની આવક પર જ રહેલ હતો.
પતિ પત્નિ વચ્ચેનાં મતભેદનાં કારણે અંજુબેન તેમની પુત્રી ક્રિષ્ટિનાને લઈ 2012માં મુંબઈ રહેવા ચાલ્યા ગયા હતા. પતિ પત્નિ વચ્ચેનાં કલુષિત લગ્ન જીવનનો ગેરલાભ લઈ સ્વ. પરેશભાઈના નામે તેમની હૈયાતીમાં તેમણે રવપાર્જિત મુડીમાંથી ખરીદેલ સ્થાવર જંગમ મિલકતો પચાવી પાડવા શરૂૂઆતથી જ પ્રયત્ન કરતા હતા અને હાલ પણ કરી રહેલ છે. સાસરીપક્ષનાં લોકો પતિનાં અવસાન બાદ તેમના નામે રહેલ સ્થાવર જંગમ મિલકત ઓળવી જઈ માતા-પુત્રીને રસ્તે રઝળતા મુકી દેતા આ અંગે ન્યાય માટે પોલીસ કમિશ્નર સમક્ષ મદદની ગુહાર લગાવી હતી. ક્રિસ્ટીનાએ વાયરલ કરેલા વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં એક તરફ પાટીદાર સમાજ બહેન-દીકરીઓની સલામતી માટે સભાઓ કરી રહ્યું છે, ત્યાં બીજી તરફ આ સમાજની જ એક વિધવા મહિલા પોતાના ન્યાય માટે આમ-તેમ દોડી રહી છે.
મોટા પપ્પા BJPમાં છે એટલે પોલીસ ફરિયાદ નથી લેતી: ક્રિસ્ટીના
ક્રિસ્ટીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું કે, મોટા પપ્પા ભાજપમાં છે માટે પોલીસ ફરિયાદ નથી લઇ રહી અને રાજકારણમાં હોય તો તમે શું કોઈને મારી પણ નાંખી શકો છો.? રાજકારણનો આવો ખરાબ ફાયદો ન ઉઠાવવો જોઈએ હવે તો મને એવું લાગી રહ્યું છે કે, આ લોકોએ જ મારા પપ્પાની હત્યા કરી નાંખી હશે, હું શું કરું એ મને સમજ નથી આવતું.. હું મુંબઈ રહું છું મારી માતા રાજકોટ રહે છે. હું ગુજરાત પોલીસ પાસે એક્શનની અને મારી માતાની સલામતી માગ કરું છું, આટલું તો પોલીસ કરી જ શકે. મારા પિતાના પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છેથ મુંબઈ રહેતી પાટીદાર દીકરીએ રડતાં રડતાં કહ્યું હતું કે, હું ઘણા સમયથી ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છું. મેં કોઈ દિવસ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો. મારા પિતાના અવસાન પછી હું ઘણું બધું જોઈ રહી છું.
મારા પિતાના પરિવારજનોએ તેમની બધી મિલકત લઇ લીધી છે, મને એનાથી પણ કોઈ ફેર નથી પડ્યો, અમે કોઈ રિએક્શન નથી આપ્યું અમે લીગલ એક્શન લીધા છે. જે બધા લોકો લેતા હોય છે. હું મુંબઈ આવી છું અને મારા મમ્મી રાજકોટમાં એકલા રહે છે. મારા મોટા પપ્પા જેનું નામ છે બિપિન અમૃતિયા, ભાઈ આનંદ અમૃતિયા, અને એક અન્ય શખ્સ જેનું મને નામ નથી ખબર આ લોકોએ મારી માતા પર એટેક કર્યો છે. મારા ઘરમાં ઘુસી મારી માતા સાથે ખરાબ હરકતો કરી છે. અમે પોલીસને બોલાવ્યા પણ એમણે કોઈ એક્શન ના લીધા એટલે કે અમારી ફરિયાદ તેમણે ના લીધી. કમિશનર સાથે વાત કરવાની કોશિશ કરી પણ તેઓ કોઈ એક્શન લીધા નથી. પોલીસ ફરિયાદ કેમ નથી લઇ રહીં? હું એ જાણવા માંગુ છું. કોઈનો જીવ જોખમમાં હોય તો ફરિયાદ કેમ લેવામાં નથી આવતી. ક્રિસ્ટીનાએ ગુજરાત પોલીસ પાસે એક્શન અને માતાની સલામતી માંગ કરી છે. તેમજ આ મામલે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા.

