ભ્રષ્ટાચાર સહિતની બાબતે વગોવાયેલી ખંભાળિયા નગરપાલિકામાં વિકાસ કાર્યોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગુણવત્તાહીન કામના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આપના જિલ્લા પ્રમુખ દ્વારા આક્ષેપો સાથે કરવામાં આવેલી આ અરજીમાં મુખ્યત્વે રોડ રીસફેસિંગની ગ્રાન્ટ હેઠળ થતા કામોમાં જનતાના પૈસાના દુરુપયોગની વાત કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, નગરપાલિકાની હદ વિસ્તારમાં વિવિધ સોસાયટીઓમાં રોડ રીસફેસિંગના કામોમાં કોઈપણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. “આપ”ના કાર્યકરોની તાજેતરમાં જનતા રેડ દરમિયાન અહીંની એક સોસાયટીમાં ચાલી રહેલા સી.સી. રોડના કોંક્રિટ વર્કની ઓચિંતી તપાસમાં આ કામમાં યોગ્ય મટીરીયલ જેમ કે સિમેન્ટ, રેતી અને અન્ય સામગ્રીનો પૂરતો અને કાયદેસર ઉપયોગ કરવામાં આવ્યું ન હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું.
આ કામમાં ગુણવત્તાને અવગણીને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની પૂરેપૂરી ખાતરી કાર્યકરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આ મુદ્દે કામની પૂરેપૂરી તપાસ તેમની હાજરીમાં કરવામાં આવે તેમજ રોડના વિવિધ ટુકડાઓમાં કરેલા કામને બીજી વખત યોગ્ય મટીરીયલ વાપરીને પુન: કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આટલું જ નહીં, આ સોસાયટીના રહેવાસીઓ અને વિરોધ પક્ષના પ્રશ્નોનું નિરાકરણ થાય ત્યાં સુધી કોઈપણ એજન્સીને બિલની ચુકવણી ન કરવામાં આવે તેમ પણ વધુમાં જણાવ્યું છે.આ અરજીમાં નગરપાલિકાના વિકાસના નામે થતા ભ્રષ્ટાચારની તીખી આલોચના પણ કરવામાં આવી છે. કાર્યકરોએ વધુમાં જણાવ્યું હતું કે, “જનતાના પૈસાને કાગળના કરીને ભ્રષ્ટાચારમાં વાપરવામાં આવી રહ્યા છે, જે અટકાવવું જરૂૂરી છે.” આગામી સમયમાં નવા હાથ ધરાનાર દરેક કામોની “આપ” દ્વારા ચકાસણી કરવામાં આવશે અને જરૂૂર પડ્યે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એમ પણ વધુમાં ઉમેર્યું છે.

