મનપાના નવા બજેટની તૈયારીઓ શરૂ થતાં જ જૂના કામોના વર્કઓર્ડર આપવા અધિકારીઓને કડક સૂચના અપાઈ
ડીઆઈ પાઈપલાઈનની કામગીરીમાં ઓન શા માટે?, નવા પ્રોજેક્ટ તૈયાર કરવાના બદલે જૂના પૂર્ણ કરવા અનુરોધ
રાજકોટ મહાનગરપાલિકાના નવા બજેટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેના માટે ચુંટાયેલ પાંખના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને જે તે વિભાગના અધિકારીઓ સાથે બેઠકનો દૌર શરૂ થયો છે. જેમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે ડીઆઈ પાઈપલાઈન સાથેના ગત બજેટમાં રજૂ થયેલા તમામ પ્રોજેક્ટનો વર્ક ઓર્ડર નવા બજેટ પહેલા આપવામાં આવે તેવી સુચના આપવાની સાથો સાથ જે તે કમિશનરે રજૂ કરેલ પ્રોજેક્ટ તેમની બદલી થતાં જ બંધ થઈ જાય છે. આવુ શા માટે થાય છે તેવું અધિકારીને સવાલ કરી પ્રોજેક્ટ એક પણ બંધ ન થવા જોઈએ તેવી કડક સુચના આપી અધિકારીઓને ખખડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાના નવા બજેટ માટે છેલ્લા ઘણા સમયથી મીટીંગનો દૌર ચાલી રહ્યો છે. અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા લોકોનેસ્પર્શતા નવા કામોના સુચનો કરવામાં આવી રહ્યા છે. તેમજ તેને લગતી ચર્ચાઓ પણ થઈ રહી છે. પરંતુ ગત વર્ષનું બજેટ પૂર્ણ થવાને હવે ઓછો સમય હોવાથી બજેટમાં જોગવાઈ થયેલ મોટાભાગના પ્રોજેક્ટો હાલમાં પણ અધુરા હોય સ્ટેન્ડીંગ ચેરમેને મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં અધિકારીઓને સુચના આપી જણાવેલ કે, ડીઆઈ પાઈપલાઈનની ખરીદી અને લેબર કામમાં મોટાઓનથી કામ આપવામાં આવી રહ્યું છે. જેમાં નવી પદ્ધતિથી ફેરફાર કરી સંસ્થાના પૈસા બચાવવાની જરૂરિયાત છે. તેવી જ રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હોય અને આ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા કમિશનરની બદલી થાય ત્યારે આ પ્રોજેક્ટનું બાળ મરણ થઈ જતું હોય છે. તો કમિશનર દ્વારા મુકવામાં આવેલા તમામ પ્રોજેક્ટ નવા કમિશનર આવ્યે પણ યથાવત રાખવામાં આવે તેવી અધિકારીઓને સુચના આપી પ્રોજેક્ટ શા માટે બંધ કરો છો તેવો સવાલ પણ પુછ્યો હતો.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, પ્રજાના ટેક્સમાંથી આવતા પૈસા પ્રજાલક્ષી કામગીરી માં વધુમાં વધુ વપરાય અને આ પૈસાનો બેનીફીટ લોકોને મળી શકે તે માટે મે સતત પ્રયાસો કર્યા છે. અગાઉ આવતા મોટા ખર્ચાઓ ઉપર કાપ મુકી કરકસર યુક્ત કામ કરવાની પધ્ધતિ અમલમાં મુકી છે. જેમાં ખાસ કરીને અબજો રૂપિયાના ડીઆઈ પાઈપલાઈન નાખવાની કામગીરીમાં પણ મે અધિકારીઓને ઘટતુ કરવાની સુચના આપી છે. કારણ કે, હાલમાં પાઈપની ખરીદી ડાયરેક્ટ કંપની પાસેથી કરવામાં આવે તો પણ ઓનથી પેમેન્ટ કરવામાં આવી રહ્યુ છે.
ત્યાર બાદ પાઈપલાઈન નાખવાની લેબર પ્રક્રિયામાં પણ 15થી 25 ટકા ઓનના ભાવ આવી રહ્યા છે. અગાઉ એક જ એજન્સીને પાઈપલાઈનની ખરીદી અને લેબર સહિતનું કામ આપવામાં આવતું હતું. તેમાં આવતી ઓન હાલની પ્રક્રિયા કરતા ઓછી હોય આ મુદ્દે વ્યવસ્થિત સંકલન સાથે ડીઆઈપાઈપલાઈનની કામગીરી કરવામાં આવે તો પ્રજાના પૈસાનો બચાવ થઈ શકે તેમ છે.
મહાપાલિકાની દક્ષિણ ઝોન કચેરી બનાવવાનો ધમધમાટ શરૂ
રાજકોટ મહાનગરપાલિકાની હાલ સેન્ટર, વેસ્ટ અને ઈસ્ટઝોન એમ ત્રણ ઝોનલ કચેરી કાર્યરત છે. પરંતુ ઈસ્ટઝોનમાં માનવ વસાહત અને વિસ્તારમાં વધારો થતાં કોઠારિયા વિસ્તારમાં ઝોનલ ઓફિસ બનાવવાનો નિર્ણય લેવામાં આવેલ અને હાલમાં ત્રણ ઝોનમાં વિભાજન થયેલ શહેરને ચાર ઝોનમાં ફેરવવામાં આવે તેવી દરખાસ્ત રજૂ થયેલ જેના લીધે કોઠારિયા વિસ્તારમાં દક્ષિણ ઝોનલ કચેરી બનાવવાનું આયોજન થયેલ અને હવે કોઠારિયા મેઈન રોડ ઉપર દક્ષિણ ઝોનલ કચેરી માટેની જગ્યા ફાઈનલ કરવામાં આવી છે. અને નવા બજેટમાં દક્ષિણ ઝોન કચેરીના ખર્ચ માટેની જોગવાઈ કરી ટેન્ડર સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શહેરની ચોથી ઝોનલ કચેરી શરૂ કરવામાં આવશે. તેમ જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.
વર્તમાન બજેટના તમામ કામનો વર્કઓર્ડર રીલીઝ કરવા સૂચના
મહાનગરપાલિકાના ચાલુ વર્ષના બજેટમાં અનેક પ્રોજેક્ટની જોગવાઈ કરવામાં આવી છે. તે પૈકી અમુક પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા છે ત્યારે મોટાભાગના નવા પ્રોજેક્ટોની ટેન્ડર સહિતની પ્રક્રિયા બાકી હોય બજેટ મીટીંગમાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે અધિકારીઓને ખાસ સુચના આપી હાલના બજેટમાં મુકવામાં આવેલા તમામ પ્રોજેક્ટની ટેન્ડર સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી વર્ષ પૂરુ થાય તે પહેલા તમામ પ્રોજેક્ટના વર્ક ઓડર્ર અપાઈ જવા જોઈએ તેવીકડક સુચના આપી છે.