Site icon Gujarat Mirror

તું કેમ મારી સામે જોવે છે ? કહી યુવાન પર ધોકા વડે બે શખ્સોનો હુમલો

oplus_32

કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે આવેલી વીર સાવરકર આવાસ યોજનાના પાર્કિંગમાં નજીવી બાબતે મારામારીની ઘટના બની હતી.ફરિયાદી દિનેશભાઈ જશાભાઈ ચૌહાણ (ઉં.વ. 42), જેઓ વ્યવસાયે મજૂર છે. તેઓ જ્યારે પોતાના કામેથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આરોપી રાકેશ ચૌહાણના ભાઈએ તું કેમ મારી સામે જુએ છે? તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો.દિનેશભાઈએ વળતો જવાબ આપતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વિગતો મુજબ,આરોપી રાકેશના ભાઈએ તેની પાસે રહેલા લાકડાના ધોકા વડે ફરિયાદીના માથાના ઉપરના ભાગે એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત, તેણે ફરિયાદીના બંને પગ પર પણ સખત માર માર્યો હતો. તે જ સમયે આરોપી રાકેશનો સાળો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પણ દિનેશભાઈ સાથે બોલાચાલી કરી શરીરે ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં દિનેશભાઈને માથાના ભાગે ત્રણ જેટલા ટાંકા આવ્યા છે અને શરીરે મુંઢ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના સંદર્ભે ગાંધીગ્રામ-2 પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેવી કે 115(2), 118(1), 352, 351(3), 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હાલ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે. જાહેરનામાના ભંગ બદલ પણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.

Exit mobile version