નનામા પત્ર દ્વારા સહકારી સંસ્થાને બદનામ કરનારને ભગવાન સદ્બુદ્ધી આપે
રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે સામે વાયરલ થયેલ નનામી પત્રિકામાં રાજકોટ- લોધીકા સહકારી સંઘના ચેરમેનના હોદામાં સેટીંગ કર્યાનો જડબાતોડ જવાબ આપતા રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પત્રિકામાં કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલા તેમજ રાજકીય બદઇરાદાથી પ્રેરીત છે.
તેમણે જણાવ્યું હતું કે, મારા રાજકીય જીવન દરમિયાન મેં કયારેય એક રૂપીયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો નથી.
આ નનામી પત્રિકામાં આક્ષેપ કરાયો છે કે, રાજકોટ- લોધીકા સંઘના ચેરમેનનો હોદો આપવામાં જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ સેટિંગ કર્યું હતું. હકિકતે હું રા.લો. સંઘનો ચેરમેન બન્યો ત્યારે ધવલ દવે જિલ્લા ભાજપના પ્રભારી અને અલ્પેશ ઢોલરીયા પણ જિલ્લા ભાજપ પ્રમુખ હતા જ નહીં તો સેટિંગની વાત જ કયાંથી આવે?
નરેન્દ્રસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ નનામી પત્રિકા દ્વારા ખેડુતો સહકારી ક્ષેત્ર અને મીડીયામાં ગેરસમજ ન ફેલાય તે માટે મારે સ્પષ્ટતા કરવાની જરૂર ઉભી થઇ છે. જયારે હું રા.લો. સંઘનો ચેરમેન બન્યો ત્યારે ધવલ દવેને હું ઓળખતો પણ ન હતો, તેને જિલ્લા ભાજપના પ્રભારી બનાવાયા પછી હું તેના સંપર્કમાં આવ્યો હતો. સાત ડિઝિટની તો વાત નથી હું ડિઝીટલી પણ તેના સંપર્કમાં હતો નહીં. હાલ રા.લો. સંઘમાં કોઇ જુથવાદ નથી અને તમામ ઠરાવો સર્વસંમતિથી થાય છે. રા.લો. સંઘને વિવાદમાં ઢસડવાનો પ્રયાસ કરનારને ભગવાન સદબુધ્ધી આપે. મારી સામે ભ્રષ્ટાચા અંગે કોઇ આંગળી ચિંધી શકે તેમ નથી.