Site icon Gujarat Mirror

35 કરોડના ઘઉં સડી ગયા, બચાવવા 150 કરોડનો ખર્ચ

મધ્યપ્રદેશના સરકારી ગોડાઉનોમાં અંધેરી નગરી ને ગંડુરાજા જેવો વહીવટ, હજારો ક્વિન્ટલ અનાજ ખાતર થઇ ગયું

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. અહીં સરકારી વેરહાઉસમાં રાખવામાં આવેલા હજારો ક્વિન્ટલ ઘઉં સડી ગયા છે. કહેવાય છે કે લગભગ 35 કરોડ રૂૂપિયાની કિંમતના ઘઉં ખરાબ થઈ ગયા, પણ તેને બચાવવાના પ્રયાસમાં ભાડા, દેખરેખ અને જંતુનાશક દવાના છંટકાવ સહિત અન્ય પર ખર્ચ વધીને લગભગ 150 કરોડ રૂૂપિયા સુધી પહોંચી ગયો છે.

જાણકારી અનુસાર, ગૌહરગંજ ઓબેદુલ્લાગંજના દિવાટિયાના સરકારી ગોદામમાં રાખવામાં આવેલા 22 હજાર ટન ઘઉં લાંબા સમય સુધી પડ્યા રહ્યા. આ ખરાબ થતાં ઘઉંને બચાવવા માટે લગભગ 34 વાર જંતુનાશક દવાનો છંટકાવ કર્યો, પણ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આ ઘઉં ઢોરને ખાવા લાયક પણ રહ્યા નહીં. નિષ્ણાતોએ ચેતવણી આપી કે આ પ્રકારનું ખરાબ અનાજ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 2022માં સિહોર જિલ્લાના બક્તરાથી આ ઘઉંને રાયસેન જિલ્લાના ગોદામમાં શિફ્ટ કર્યા હતા.

મોટો સવાલ એ છે કે સિહોર જિલ્લાના ખરાબ ઘઉંને કેમ અને કોની મિલીભગતથી બીજા જિલ્લા રાયસેનમાં શિફ્ટ કરવામાં આવ્યા. જ્યારે 2022માં નૂરગંજ અને દિવટિયાના ગોદામમાં આ ઘઉં રાખવામાં આવી રહ્યા હતા, ત્યારે આ હજારો ક્વિન્ટલ ઘઉં ખરાબ થઈ ગયા હતા તો પછી તેને રાખવાની પરવાનગી કેવી રીતે આપી, આખરે કોના પ્રેશરમાં આવીને, એક જિલ્લામાંથી બીજા જિલ્લાના ગોદામમાં મોટી માત્રામાં ઘઉં રાખવામાં આવ્યા. હવે સવાલ એ થાય છે કે આટલા મોટા નુકસાનની જવાબદારી કોની? હાલમાં, અધિકારીઓ આ સમગ્ર મામલામાં તપાસ બાદ આગળની કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.

Exit mobile version