ભારતીય રૂૂપિયો પતનના નવા નવા રેકોર્ડ બનાવતો જાય છે અને અત્યારે અમેરિકન ડોલર સામે 95 રૂૂપિયાથી પણ નીચે આવી ગયો છે. રૂૂપિયાએ 30 માર્ચે અમેરિકન ડોલર સામે 88 પૈસા તૂટીને 95.22 પ્રતિ ડોલરની નવી નીચલી સપાટી બનાવેલી. નાણાકીય વરસના છેલ્લા દિવસે થોડો સુધારો થતાં રૂૂપિયો 94ની અંદર આવી ગયો એ સારા સમાચાર છે પણ એકંદરે રૂૂપિયાની હાલત ખરાબ તો છે જ. અમેરિકા-ઇઝરાયલના ઇરાન સામેના યુદ્ધને લીધે ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે રૂૂપિયો સતત તૂટતો જ જાય છે ને છેલ્લા એક મહિનામાં જ અમેરિકન ડોલર સામે 4 ટકાથી વધારે ઘટ્યો છે. યુદ્ધના કારણે રૂૂપિયાના ધોવાણમાં તેજી આવી છે, બાકી રૂૂપિયો ઘણા સમયથી ઘસાઈ જ રહ્યો છે ને તેની સાબિતી એ છે કે, 2025-26ના નાણાકીય વર્ષમાં અમેરિકન ડોલર સામે રૂૂપિયો 10 ટકાથી વધુ તૂટી ગયો છે. ઇરાન યુદ્ધ ચાલુ રહેશે તો અમેરિકન ડોલર સામે રૂૂપિયો 98 સુધી જઈ શકે છે એવી આગાહીઓ થઈ રહી છે.
કદાચ સદી પણ નોંધાવી દે. ડો. મનમોહનસિંહ વડા પ્રધાન હતા ત્યારે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મજાક ઉડાવતાં કટાક્ષ કરેલો કે, ડોલર સામે રૂૂપિયો મનમોહનસિંહની ઉંમર કરતાં પણ વધારે ઝડપથી વધી રહ્યો છે. મોદી સાહેબના શાસનમાં તો એ સ્પર્ધા જ નથી રહી. મોદી સાહેબ વડા પ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર 65 વર્ષ હતી ને ડોલર સામે રૂૂપિયો 58ની સપાટી પર હતો. 12 વર્ષમાં મોદી સાહેબ 75 પર પહોંચ્યા ને રૂૂપિયો 95ને પાર થઈ ગયો છે. મોદી સાહેબને લાંબું આયુષ્ય મળે ને ઉંમરની સદી પૂરી કરે એવી શુભકામના છે પણ મોદી સાહેબ સદી પૂરી કરશે એ પહેલાં ડોલર સામે રૂૂપિયો સદી પૂરી કરી ચૂક્યો હશે તેમાં બેમત નથી. ગયા વરસે રૂૂપિયામાં ધોવાણ શરૂૂ થયું ત્યારે આપણાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને હાસ્યાસ્પદ દલીલ કરી હતી કે, રૂૂપિયો નબળો નથી પડી રહ્યો પણ અમેરિકાનો ડોલર મજબૂત થઈ રહ્યો છે તેથી ડોલરના ભાવ ઉંચકાઈ રહ્યા છે.
નિર્મલા સીતારામન પાસેથી કોઈ બુદ્ધિગમ્ય વાતની અપેક્ષા છે જ નહીં તેથી તેમની વાતથી આંચકો નહોતો લાગ્યો પણ કેટલાક ભક્તજનોએ આ વાતને વધાવી લઈને સોશ્યલ મીડિયા પર જોરશોરથી તેનો પ્રચાર કરેલો. આ ભક્તજનોના લાભાર્થે એક હકીકત તરફ ધ્યાન દોરી દઈએ કે, રૂૂપિયા સામે ડોલર જ નહીં પણ યુરો અને પાઉન્ડ પણ મજબૂત થયા છે. વરસ પહેલાં એક યુરોના 92 રૂૂપિયાની આસપાસ હતા ને અત્યારે 108 છે જ્યારે એક પાઉન્ડના 108 રૂૂપિયાની આસપાસ હતા એ અત્યારે 124 રૂૂપિયા છે. હા, ખુશ થવું જ હોય તો એ વાત પર થઈ શકીએ કે, ડોલર સામે રૂૂપિયો હજુ 100ની અંદર છે જ્યારે પાકિસ્તાની રૂૂપિયો તો 300ને પાર થઈ ગયો છે. આર્થિક મોરચે આપણી સ્પર્ધા અમેરિકા, જાપાન, યુકે, દક્ષિણ કોરીયા જેવા દેશો સાથે હોવાના દાવા સરકાર દ્વારા થાય છે પણ સરખામણી કરવાની વાત આવે ત્યારે પાકિસ્તાન, બાંગ્લાદેશ ને શ્રીલંકા સાથે કરાય છે એ જોતાં આપણા કરતાં પાકિસ્તાની રૂૂપિયાનું વધારે ધોવાણ થયું છે એ વાતે ખુશ થઈ શકાય !
હવે બીજા મુદ્દાની વાત કરીએ. આપણી સરકાર કેમ રૂૂપિયાનું ધોવાણ રોકી શકતી નથી ? આ સવાલનો જવાબ સરળ છે. આપણી પાસે એવી નેતાગીરી જ નથી કે જે વૈશ્વિક આર્થિક પ્રવાહોને સમજી શકે ને એ પ્રમાણે વર્તી શકે. આ દેશમાં નાણાં મંત્રાલય એવી વ્યક્તિના હાથમાં છે કે જેને રૂૂપિયાનું ધોવાણ રોકવા માટે કશું કરવાના બદલે મોદી વૈશ્વિક સ્તરે સૌથી લોકપ્રિય નેતા છે તેની વાત કરવામાં વધારે રસ છે. ને રીઝર્વ બેંક અર્થશાસ્ત્રીઓ નહીં પણ આઈએએસ અધિકારીઓ ચલાવે છે. આ બધાથી અલિપ્ત પ્રજા મિથ્યાભિમાનમાં રાચે છે ને નેતાઓએ ચટાવેલા કહેવાતી મહાનતાના અફીણના કેફમાં ગુલતાન છે.
મોદીએ આ સ્થિતિ બદલવી હોય તો દેશને સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવો પડે. ભાજપ કરોડો કાર્યકરોનો પક્ષ છે ને આર્થિક બાબતોની સમજ પડતી હોય એવા સેંકડો નેતા હશે. નિર્મલા જેવાં નબળાં નાણાં મંત્રીને બદલે એમાંથી કોઈને નાણાં મંત્રાલય સોંપવું પડે. રિઝર્વ બેંકમાં પણ ચાપલૂસ અધિકારીઓને નહીં પણ અર્થશાસ્ત્રીઓને બેસાડવા પડે. બાકી રૂૂપિયાની હૈયાહોળી ચાલુ જ રહેશે.

