Site icon Gujarat Mirror

‘અમે બંન્નેેએ બધુ સુખ જોઇ લીધુ’ : નિવૃત્ત ઇજનેરનો પત્ની સાથે આપઘાત

બીમારીથી કંટાળી પગલું ભરી લીધાનો સ્યુસાઇડનોટમાં ઉલ્લેખ : ડેપ્યુટી એન્જિનિયરના પદેથી રાજેન્દ્રભાઇએ આઠ મહિના પહેલા જ રાજીનામુ આપ્યું હતું

 

રાજકોટ શહેરમાં પતિ-પત્નીએ સજોડે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બે કલાક બાદ પન્નાબેનનું પણ મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. હાલમાં પોલીસે સુસાઈડનોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ભીડભંજન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉં.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉં.વ.70)એ શનીવારે મોડીરાત્રે 2 વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી. બાદમાં બનાવ અંગે પોતાની સાથે રહેતી તેમની દીકરીને જાણ કરતા પરિવારના અન્ય સભ્યો એકઠા થઇ બન્ને પતિ પત્નીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ICU વોર્ડમાં બન્નેની સારવાર ચાલુ હતી.

વહેલી સવારે 6 વાગ્યે રાજેન્દ્રભાઈ લખતરીયાનું સારવારમાં મોત નીપજ્યું હતું અને તેના બે જ કલાક બાદ 8 વાગ્યે પન્નાબેને પણ દમ તોડી દીધો હતો. બનાવ અંગે જાણ યુનિવર્સિટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃદતહેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા વૃદ્ધ પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અમે બન્ને પતિ પત્નીએ બધું સુખ જોઈ લીધું છે. દીકરો અને દીકરી પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું પણ થયેલું નથી. પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ, માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ. હાલ યુનિવર્સિટી પોલીસે સુસાઇડ નોટ કબજેે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે થોડા સમયથી તેમના પત્ની પણ બીમાર થયા હતા તેમને ડાયાબિટીસની બીમારી હતી અને થોડા સમય પહેલા લગભગ એક-બે વાર સારવાર અર્થે દાખલ પણ કરવામાં આવ્યા હતા. જેથી તેઓ ફરી ડિપ્રેશનમાં આવી ગયા હતાં. બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું સુુસાઇડ નોટના આધારે પરિવારજનો પણ પોલીસને જણાવી રહ્યા છે, જેથી પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાત્રે ઝેરી દવા પી લીધા બાદ તબિયત વધુ બગડતા બનાવ અંગે દીકરીને જ પિતાએ જાણ કરી હતી, જેથી દીકરીએ તેમના પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા તત્કાલ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ બે કલાકના અંતરે બન્નેએ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે રાજેન્દ્રભાઈ લખતરીયા પોતે રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. વય નિવૃત્તિના 8થી 10 મહિના પહેલા તેઓએ સ્વૈચ્છીક રાજીનામુ આપી દીધું હતું અને બાદમાં પરિવાર સાથે નિવૃત જીવન ગાળતા હતા. કોરોના બાદથી તેઓ બીમાર થતા ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેમને ડિપ્રેશનની સારવાર પણ ચાલુ હતી. રાજેન્દ્રભાઈ લખતરીયા અને પત્ની પન્નાબેન લખતરીયાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જેમાંથી દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે, જ્યારે દીકરીના છૂટાછેડા થઇ ગયા બાદ તે પોતાના સંતાન સાથે રાજકોટ જ માતા-પિતા સાથે રહેતી હતી.

Exit mobile version