Site icon Gujarat Mirror

ઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પ

નવું અને સ્વીકાર્ય નેતૃત્વ પસંદ કરવામાં આવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારતું નથી, ત્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાનો નથી. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ શાંતિ કરાર તે જ સમયે શક્ય બનશે જ્યારે ઈરાન સંપૂર્ણ રીતે શરણાગતિ સ્વીકારશે.

શુક્રવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારી લે, તો ત્યાં નવું, વધુ સ્વીકાર્ય અને સારું નેતૃત્વ પસંદ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ ત્યારબાદ અમેરિકા અને તેના સહયોગી દેશો ઈરાનને ફરીથી આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સહકાર આપશે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે ભવિષ્યમાં ઈરાનને આર્થિક રીતે વધુ શક્તિશાળી અને વિકાસશીલ બનાવવાની શક્યતા છે. તેમણે પોતાના સંદેશમાં “ઈરાનને ફરીથી મહાન બનાવો”નો સૂત્ર આપ્યો, જે તેમના અગાઉના લોકપ્રિય સૂત્ર “અમેરિકાને ફરીથી મહાન બનાવો” પરથી પ્રેરિત છે.

ટ્રમ્પના જણાવ્યા મુજબ ઈરાનનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે છે જો ત્યાં નવી અને સ્થિર નેતાગીરી ઉભી થાય.
ટ્રમ્પે ખાસ કરીને અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીની સંભવિત ઉત્તરાધિકારી તરીકે ટીકા કરી હતી. તેમના મતે મોજતબા ખામેની આ પદ માટે યોગ્ય નથી. ટ્રમ્પે કહ્યું કે તેઓ એવા નેતાને જોવા માંગે છે જે ઈરાનમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે. તેમણે ચેતવણી આપી કે જો નવો નેતા ખામેનીની હાલની નીતિઓ જ ચાલુ રાખશે, તો ભવિષ્યમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધ થવાની શક્યતા ઊભી થઈ શકે છે.

Exit mobile version