બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
શહેરના કોઠારીયા રોડ વિનોદનગરમાં રહેતાં મહિલા એડવોકેટે આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેમણે કોઇ અકળ કારણોસર ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શક્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ મુજબ કોઠારીયા રોડ વિનોદનગર-5માં રહેતાં અવનીબેન જીતેનભાઇ જાની (ઉ.વ.40) નામના મહિલા ગઇકાલે બપોરે ઘરે એકાએક ઉલ્ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પુછતાછ કરતાં પોતે ઘઉંમાં રાખવાનો ઝેરી પાવડર પી ગયાનું કહેતાં તુરત તેમને સારવાર માટે ડો. ગૌરાંગ બુચની શુભમ્ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ. એમ. મકવાણા સહિતે હોસ્પિટલે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ અવનીબેનના લગ્ન પંદર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં તેર વર્ષની એક દિકરી અને નવ વર્ષનો એક પુત્ર છે. પતિ કારખાનામાં કામ કરે છે. અવનીબેનના માવતર અમદાવાદ રહે છે. તેણી એડવોકેટ તરીકે પ્રેકટીસ કરતાં હતાં. આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ અંતિમવિધી બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે. હાલ તપાસ યથાવત રાખવામાં આવી છે. આ બનાવથી બે સંતાન મા વિહોણા થઇ જતાં જાની પરિવારમાં કલ્પાંત સર્જાયો છે

