રાજકોટને અડીને આવેલા વેજાગામ ખાતે ફરજ બજાવતા તલાટીમંત્રી વર્ષાબા ઝાલાની બદલી માટે રજૂઆત કરનાર નવ નિયુકત સરપંચ યોગેન્દ્રસિંહ જાડેજાને તલાટી કમ મંત્રીના પતિએ ફોન કરી મારી નાખવાની ધમકી આપ્યાની ખૂદ સરપંચે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરતા ચકચાર જાગી છે.
રાજકોટ તાલુકાના વેજાગામના નવનિયુકત સરપંચ યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યુ મુજબ મોજેગામ વેજાગામ ખાતે ફરજ બજાવતા તલાટી મંત્રી વર્ષાબા ઝાલાની કામગીરીથી ગામ લોકોમાં ભારે અસંતોષ હોય તેઓના નોકરીના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ વહીવટમાં ઘણી તૂટીએ રહેલી હોય જેથી ભ્રષ્ટાચાર અને ફરજમાં બેદરકારી બદલ તલાટી મંત્રીની બદલી કરવા વારંવાર રજૂઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી છે. તેથી તેઓ દ્વારા સરપંચ તરીકે ચૂટાતા ફરજના ભાગ રૂપે તલાટી મંત્રીની બદલી માટે રજૂઆત કરી હોય જેનો ખાર રાખી મહિલા તલાટીમંત્રી વર્ષાબા ઝાલના પતિ દ્વારા ગત તા.15ના રોજ ફોન કરી સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અગાઉ પણ ચૂંટણીના પરિણામ સમયે ગ્રામપંચાયતના તત્કાલીન સરપંચ અને તેના મળતીયા દ્વારા પણ અરજદાર અને ગ્રામપંચાયતના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવ્યા મુજબ તા.26-3-25ના રોજ ગ્રામજનોની સહિ સાથી તલાટીમંત્રીની બદલી કરવા અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા ગામલોકોની જાણ વગર તલાટીને બચાવવા બારોબાર રોજ કામ કરી નાખવમાં આવ્યુ હતું. જેથી કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનો દ્વારા 17-6ના રોજ ગ્રામપંચાયતને તાળા બંધી કરવામાં આવી હતી. તલાટીની કામગીરી અસંતોષ હોય ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. આમ વારંવાર રજૂઆત છતાં ગ્રામલોકોની માંગણી મુજબ કોઇ કાર્યવાહી થઇ ન હોવાથી તેઓ દ્વારા તલાટી મંત્રીની બદલી કરવા રજૂઆત કરી હોય જેનો ખાર રાખી તલાટી મંત્રીના પતિ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે અંગે યોગ્ય કરવા માંગ કરી છે.

