Sports
આઈસીસી રેન્કિંગમાં ઊથલપાથલ, કોહલીને નુક્સાન, પંતને ફાયદો
ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ઇનિંગમાં ભારતીય ટીમ માટે ઋષભ પંત અને સરફરાઝે જોરદાર ઇનિંગ્સનું પ્રદર્શન કર્યું હતું. ભલે ટીમ ઈન્ડિયા જીતી ન શકી પરંતુ પંતને આમાં મોટો ફાયદો થયો. ટેસ્ટમાં મોટી ઇનિંગ્સ માટે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલીને નુકસાન થયું છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માને પણ મોટું નુકસાન થયું છે.
વિરાટ કોહલીએ પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં 70 રન બનાવ્યા હતા. હવે તે ટોપ-10ની યાદીમાં નીચે આવી ગયો છે. કોહલી એક સ્થાન ગુમાવીને 8મા સ્થાને પહોંચી ગયો છે. વિરાટની ઉપર યુવા બેટ્સમેન ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ છે. જયસ્વાલે ચોથું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે પંતને તેની શાનદાર બેટિંગના કારણે 3 સ્થાનનો ફાયદો થયો છે. હવે પંત છઠ્ઠા સ્થાને છે.
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે તેને 2 સ્થાનનું નુકસાન થયું છે. હવે રોહિત શર્મા 16માં સ્થાને છે. ફોર્મમાં રહેલા બેટ્સમેન જો રૂૂટે નંબર વન પર પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવેએ પણ જબરદસ્ત છલાંગ લગાવી છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ સતત ચમકી રહ્યો છે. બુમરાહે કિવી ટીમ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે નંબર વન પર યથાવત છે. આર અશ્વિને પણ બીજા સ્થાન પર પોતાની પકડ જાળવી રાખી છે. સ્પિન માસ્ટર કુલદીપ યાદવને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 16મા સ્થાને આવી ગયો છે.