રાજકોટનાં રેલનગર વિસ્તારમાં કોઠી કમ્પાઉન્ડમાં રહેતા અને કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.7 અને ધો.5માં અભ્યાસ કરતા બે છાત્રો ઘરેથી સ્કૂલે જવા નીકળ્યા બાદ સ્કૂલે નહી જઈ લાપતા બની ગયા હતા. જે અંગે જાણ થતાં ગાંધીગ્રામ-2 પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તત્કાલ તપાસ શરૂૂ કરી હતી. બાદમાં બંને છાત્રો ક્રિસ્ટલ મોલ પાસેથી હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કોઠી કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ આજે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં પહોચ્યાં હતા. જ્યાં હાજર એએસઆઈ મુકેશભાઈ ચરમટાને તેમણે વાત કરી હતી કે તેમના બંને બાળકો કે જેમાંથી એક ધો.7 અને બીજો ધો.પમાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તે ઘરેથી સ્કૂલવેનમાં સ્કૂલે જવા રવાના થયા હતા. પરંતુ સ્કૂલની અંદર નહીં જઈ બંને લાપતા બની ગયા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ એચ. એન.પટેલ સહિતનાં સ્ટાફે તત્કાલ આ મામલે તપાસ શરૂૂ કરતા બંને છાત્રો ક્રિસ્ટલ મોલ પાસે હોવાની માહિતી મળી હતી. આથી પોલીસ પહોંચતા બંને બાળકો ત્યાંથી હેમખેમ મળી આવ્યા હતા. બંનેને પોલીસ મથકે લવાયા બાદ તેના પરિવારજનોને સોંપાયા હતા.
પોલીસે જણાવ્યું કે, બંને બાળકોને ઊંઘ આવતી હોવાથી પરિવારજનોને જાણ કરી હતી. પરંતુ પરિવારજનોએ સ્કૂલે જઈ પરત આવીને સુઈ જવાનું જણાવ્યું હતું. બંને બાળકો સ્કૂલવેનમાં સ્કૂલ પાસે પહોચ્યાં હતા પરંતુ સ્કૂલની અંદર નહીં જઇ ક્રિસ્ટલ મોલ પાસે પહોચ્યાં હતા. જોકે વહેલી સવારે મોલ બંધ હોવાથી થોડી વાર માટે તે જ વિસ્તારમાં આટા-ફેરા કર્યા હતા. મોલ ખુલવાનો સમય થતાં તે ફરી ત્યાં ગયા હતા.જોકે યુનિવર્સિટી પોલીસે તેને શોધી લીધા હતા.બંને બાળકો મોલમાં ગેમઝોનમાં જવા માંગતા હતા.

