Site icon Gujarat Mirror

જામનગરના વસઈ ગામમાં એનઆરઆઈની જમીન પચાવી પાડનાર બે શખ્સની ધરપકડ

 

જામનગરના વતની અને હાલ યુકેમાં સ્થાયી થયેલા એક એનઆરઆઈ વેપારીની જામનગર નજીક વસઈ ગામમાં આવેલી આશરે 10 વીઘા ખેતીની જમીન કે જેના બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને પચાવી પાડવામાં આવી હોવાનો કારસો રચાયો હોવાથી આ મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને જામનગર અને મુંબઈ ના ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી .

જે મામલે સિક્કા પોલીસે બે આરોપી ને ઝડપી લીધા છે. જામનગર માં જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા અને હાલ યુ.કે.માં સ્થાયી થયેલા અમિતભાઈ દામજીભાઈ શાહ યુકે માં બિઝનેસ કરે છે. તેઓની જામનગર તાલુકાના વસઈ ગામમાં આશરે 10 વીઘા ખેતીની જમીન આવેલી છે. જે જમીનના પોતાના નામે આજથી 25 વર્ષ પહેલાં સને 2,000 ની સાલમાં દસ્તાવેજ કરાવેલા હતા, અને યુકે થી સમયાંતરે ભારત આવીને પોતાની જમીન નું નિરીક્ષણ કરતા હતા.

છેલ્લે 2024 સુધી તેઓની જમીન યથાવત જોવા મળી હતી, પરંતુ તાજેતરમાં તેઓને ધ્યાનમાં આવ્યું હતું, કે પોતાની જમીનના દસ્તાવેજ વેચાણ અર્થે જામનગર પંથકમાં ફરી રહ્યા છે, તેથી તેઓએ જામનગર આવીને ખરાઈ કરતાં તેમની જમીન અન્ય ના નામે વેચાણ થઈ ગઈ હોવાનું અને ફરીથી મોટી રકમમાં વેચાણ કરવા માટેનો કારસો ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી તેઓએ તુરત જ જામનગર ગ્રામ્ય વિસ્તારના પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરી હતી, અને તપાસ કરાવતાં ઉપરોક્ત જમીન જામનગરમાં રહેતા ભગવાનજીભાઈ હંસરાજભાઈ ગોરી ના નામે ટ્રાન્સફર થઈ ગઇ હોવાનું અને મુંબઈ ના અમિતભાઈ દામજીભાઈ શાહ નામ ના એક શખ્સે તેનો ખોટો દસ્તાવેજ કરી આપ્યો હતો. ઉપરાંત તેમાં જામનગરના નવીનભાઈ રામજીભાઈ ગોરી અને મુંબઈ ના વતની યોગેશ કેશવજીભાઈ શાહ એ સાક્ષી તરીકે સહી કરી હતી.

ગત 11.2.2025 ના રોજ આ બનાવટી દસ્તાવેજો બનાવી લેવાયા હતા, અને જામનગર ની સબ રજીસ્ટર કચેરી માં તેની નોંધણી કરાવી હતી. જેથી ઉપરોક્ત જમીન ના ખોટા દસ્તાવેજો બનાવનાર જામનગર અને મુંબઈના ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સિક્કા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
જેથી સિક્કાના પી.આઈ. જે જે ચાવડા એ ગુનો નોંધ્યો હતો અને સમગ્ર મામલાના તપાસ શરૂૂ કરી હતી . આ દરમ્યાન પોલીસે ગઈકાલે ભગવાનજી ગોરી અને નવીન ગોરી ને ઝડપી લીધા હતા.

 

Exit mobile version