પશ્ચિમ કચ્છમાં મોટા પાયે પવનચક્કીઓ લાગી રહી છે, જેથી ભુજ- નખત્રાણા – લખપત હાઈવે સતત ભારે વાહનોથી ધમધમતો હોય છે. તેવામાં ગઈકાલે રાત્રે ઘડુલી પાસે અકસ્માત થયો હતો, જેમાં બે યુવાનોના મોત થયા હતા.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ઘડુલીથી અડધા કિલોમીટર દૂર દયાપર જતા હાઈવે રોડ પર ઘટના બની હતી. જુણાચાયના જાડેજા હઠુભા અને દયાપરના પ્રફુલ્લભાઈ જાદવ બાઈક પર ઘડુલી જતા હતા, ત્યારે હાઈવે પર ઉભેલા પવનચક્કીના લાંબા ટ્રેઈલરમાં પાછળના ભાગે બાઈક ઘુસી જતાં ગંભીર ઈજાઓના કારણે બંનેના મોત થયા હતા. દેહને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા.
બંને જણા ઉમરસર નજીક આવેલ લિગ્નાઈટની ખાણમાં નોકરી કરતા હોઈ વહેલી સવારે ફરજ પર જતા હતા, ત્યારે બનાવ બન્યો હતો. બનાવને પગલે હતભાગીના પરિવાર સાથે તાલુકામાં પણ ગમગીની ફેલાઈ હતી. મહત્વનું છે કે, ભારે વાહનોના ચાલકોએ પોતાના વાહનમાં રેડીયમ લગાવવા ફરજીયાત હોય છે અને રોડ પર તેઓ વાહન પાર્ક કરી શકે નહીં, પરંતુ અહીં ગેરકાયદે રીતે રસ્તા પર ટ્રેઈલર પાર્ક કરી દેવાતા અકસ્માત થયો હતો. ભુજ – નખત્રાણા – લખપત વિસ્તારમાં આવા દ્રશ્યો રોજીદા જોવા મળે છે, જેના કારણે અકસ્માત થાય છે. આવી ઘટનાઓ અટકાવવા માટે પોલીસ અને આરટીઓ રોડ પર બેફામ પાર્ક થતા ભારે વાહનોના ચાલકો સામે પગલાં ભરે તેવી માંગણી પણ ઉઠી હતી.
બન્ને મૃતક ઉમરસર આવેલી લગ્નાઈટ ખાણની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા દરમિયાન ગઈકાલે નોકરી પર જતા હતા ત્યારે અકસ્માત સર્જાતા બન્નેના મોત નિપજ્યા હતાં.

