Site icon Gujarat Mirror

કુવાડવામાં સરકારી જમીન ઉપર બે ગૌશાળા બની ગઇ, કલેક્ટર દ્વારા તપાસ

રાજકોટમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુવાડવા હાઈવે પર આવેલી કરોડો રૂૂપિયાની કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર બે ગૌશાળા શરૂૂ કરી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે. આ દબાણમાં શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળાના નામે ગેરકાયદેસર નિર્માણ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.

આ ગંભીર મામલાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ એક્શનમાં આવ્યા છે. તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી-2 અને તાલુકા મામલતદાર પાસેથી આ અંગેનો વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે અને તપાસ સોંપવામાં આવી છે.કુવાડવા હાઈ-વે પર સરકારી ખરાબાની જગ્યા પર આ બે ગૌશાળાઓનું નિર્માણ થયું છે, જે ગેરકાયદેસર છે. કુવાડવા સર્કલ ઓફિસર આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. આ તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે કે કેટલી કિંમતની, કેટલી જગ્યા ઉપર અને કેટલા સમયથી આ સરકારી ખરાબા પર દબાણ છે.

કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, એકવાર રિપોર્ટ આવી ગયા બાદ દબાણ કરનારાઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં કુવાડવા સર્કલ ઓફિસર દ્વારા દબાણની જમીનનું માપણી અને રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર બાબતે ચિત્ર સ્પષ્ટ થશે કે સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડતું આ ગેરકાયદે દબાણ કોણે અને ક્યારે કર્યું હતું.

Exit mobile version