Site icon Gujarat Mirror

પોરબંદરના ભાવપરા ગામે ડૂબી જવાથી બે બાળકોના મોત

 

પોરબંદર જિલ્લાના ભાવપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજાભાઈ ઓડેદરાની વાડીમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના હિરાલાલ ચૌહાણની 11 વર્ષની દીકરી પારૂૂ અને તેમના બનેવી રાજુ મોરેનો 13 વર્ષનો પુત્ર લખન તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે.

બન્ને બાળકો બપોરના સમયે વાડીએ તેમના પિતાને ટિફિન આપવા ગયા હતા. પરત ફરતી વખતે અન્ય બાળકો સાથે ખારા સીમ વિસ્તારમાં આવેલા તળાવમાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન બન્ને મામા-ફઈના ભાઈ-બહેન પાણીમાં ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ પારૂૂના સાત વર્ષના ભાઈને થતાં, તે દોઢ કિલોમીટર દૂર આકરા તાપમાં દોડીને તેના પિતા પાસે પહોંચ્યો હતો. જાણ થતાં જ હિરાલાલ, ખેડૂત પરિવાર અને ગ્રામજનો તળાવ પર દોડી આવ્યા હતા. હિરાલાલે જાતે જ બન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

108ને જાણ કરવામાં આવતા ઈએમટી દશરથ રામ અને પરબતભાઈ મોરી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે બાળકોને પ્રાથમિક સારવાર આપી અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બન્ને બાળકોને બચાવી શકાયા નહીં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Exit mobile version