અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્ય કંચનબેન અરજણભાઈ ધામત (કેમ્પટન), ઘનશ્યામભાઈ પ્રાગજીભાઈ મેઘાણીએ મોટા લીલીયા ડી.ડી.ઓ.ને લેખિતમાં પત્ર લખી રાજીનામુ આપી દીધું હતું. ગ્રામ્ય વિસ્તારના કામો અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં પ્રજાના કામો નહીં થતા હોવાને કારણે નારાજગી દર્શાવી અંતે રાજીનામા ધરી દેવામાં આવતા ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો છે.
લીલીયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યો દ્વારા રાજીનામા પત્રમાં જણાવ્યું કે, તાલુકા પંચાયત કચેરીમાં વાંરવાર રજૂઆતો કરવા છતાં અધિકારી અને પદાધિકારી અને લોકોની રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી નથી. ગ્રામ પંચાયત કચેરીને પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં અમારૂૂ કોઈ સાંભળતું નથી. સામાન્ય બાબતનું કામ પણ થતું નથી. લોકો અમને અવાર નવાર રજૂઆતો કરે છે પણ અમે કોઈના કામનો ઉકેલ લાવી શકતા નથી, એટલા માટે અમે રાજીનામાં દેવા સહમત છીએ. આ પ્રકારના રાજીનામના બંને સદસ્યોએ લેટર લખી તાલુકા વિકાસ અધિકારીને સંબોધી આપવામાં આવ્યાં છે.
રાજીનામાને લઈ લીલીયા તાલુકા વિકાસ અધિકારી કિશોર આચાર્યનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, મને સંબોધી રાજીનામા આપ્યા છે. પણ મારી સતા નથી. આ તેને મેં મૌખિત માર્ગદર્શન આપ્યું છે. રાજીનામુ પ્રમુખને આપી શકે છે જેથી મેં ફાઇલ કરી દીધું છે. ત્યારબાદ તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, રાજીનામાંનો સ્વીકાર હજું સુધી કર્યો નથી. હવે પાર્ટી નિર્ણય લેશે.