Site icon Gujarat Mirror

પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયા

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા (ઉંમર 26, રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) અને રાજુ બાલુભાઈ પરમાર (ઉંમર 35, રહે. છાંયા નવાપરા, પોરબંદર)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 70 લાખ રૂૂપિયાની ખંડણી વસૂલવા પૂર્વ આયોજિત કાવતરું ઘડીને તા. 11/04/2025ની રાત્રે ચારથી પાંચ અજાણ્યા આરોપીઓ ફરિયાદીના ઘરે ઘૂસી ગયા હતા. તેમણે ફરિયાદી, તેમના જમાઈ ભાનુભાઈ અને સાળી ગીગીબેનનું અપહરણ કરી કાળા રંગની કારમાં લઈ ગયા હતા. તેમને એક આરોપીના બંગલે ગેરકાયદેસર બંધક બનાવી, ફરિયાદીની દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરાવી નાણાં આપવા દબાણ કર્યું હતું.

પાંચ દિવસ બાદ અન્ય આરોપી દ્વારા ફરિયાદીની દીકરીના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને પણ તે જ સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ મારપીટ, ઢીકાપાટુ અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જમીન, પ્લોટ, દાગીના સહિતની મિલકત હસ્તાંતર કરવા દબાણ કર્યું હતું. ફરિયાદી પાસેથી 11 કોરા ચેક પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી હતી. ફરિયાદી અને તેમના જમાઈને કુલ 17 દિવસ તથા સગીર રણજીતને 12 દિવસ સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવી તા. 27/04/2025 સુધી 70 લાખ રૂૂપિયા વસૂલવાનો પ્રયાસ કરાયો હતો. આ સમગ્ર પ્રકરણ સાથે સંકળાયેલો બીજો ગુનો પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. અ-112180192 50002/2025 હેઠળ તા. 14/05/2025ના રોજ નોંધાયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું કે હિરલબા જાડેજા અને તેમના સાગરિતોએ પૂર્વ આયોજનથી કોટક મહિન્દ્રા બેંકના કર્મચારીઓને નિવાસસ્થાને બોલાવી પોતાના ઓળખીતા અને અજાણ્યા લોકોના પ્રલોભનથી બેંક ખાતા ખોલાવ્યા હતા. છેતરપિંડીથી મેળવેલા નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી ગેરરીતે ઉપાડી લેવામાં આવ્યા હતા. જયેશ ઢાંકેચા અને કમલેશ દાસાના ખાતાનો ખોટો ઉપયોગ કરીને સહી કરેલા ચેક મેળવી રૂૂપિયા ઉપાડવામાં આવ્યા હતા, જ્યારે પાર્થ સોનગેલા, અજય ચૌહાણ અને મોહન વાજાના ખાતામાંથી તેઓએ જાતે જ નાણાં ટ્રાન્સફર કરી સગેવગે કર્યા હોવાનું બહાર આવ્યું છે. ગુનામાં સંડોવાયેલા પાર્થ સોનગેલા અને રાજુ પરમાર લાલશાહીથી ફરાર હતા. વિશ્વસનીય માહિતીના આધારે એલ.સી.બી.ની ટીમને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મોકલવામાં આવી હતી, જ્યાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Exit mobile version