જામનગરમાં એક બ્રાસપાર્ટના વેપારી સાથે જી.એસ.ટી. એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને રૂૂપિયા 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
‘શ્રી કલ્પ એન્ટરપ્રાઈઝ’ નામે બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશભાઈ તરાવિયાનું જી.એસ.ટી. એકાઉન્ટ તાજેતરમાં વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરીથી કાર્યરત કરાવવા માટે તેમણે જગદીશભાઈ રામોલીયાનો સંપર્ક કર્યો હતો.
જગદીશ રામોલીયાએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર પ્રભારી પ્રકાશભાઈ દોંગાની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. જી.એસ.ટી.ની કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સ ભરવાના બહાને આરોપીઓએ વેપારી પાસેથી ઓક્ટોબર મહિનામાં રૂૂપિયા 60 લાખ મેળવ્યા હતા.
વેપારીએ જી.એસ.ટી. એકાઉન્ટમાં ભરવા માટે આપેલા લાખો રૂૂપિયા અને પ્રોસેસિંગ ફી ચૂકવવા છતાં આરોપીઓએ આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નહોતી. તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓએ આ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હતી. લાંબા સમય સુધી રકમ પરત ન મળતા અને એકાઉન્ટ ચાલુ ન થતા, વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
વેપારીની ફરિયાદના આધારે પંચકોશી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આપ ના નેતા પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી. પોલીસે તપાસના હેતુ માટે કોર્ટ પાસે 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકીય હોદ્દો ધરાવતા નેતાની આ કૌભાંડમાં ધરપકડ થતાં જામનગરના વેપારી આલમ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આ નાણાં ક્યાં વાપરવામાં આવ્યા, અને અન્ય કોઈ વેપારીઓ ભોગ બન્યા છે કે કેમ, તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

