104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર
ઈરાનની સ્થિતિ અને ચાબહાર પોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારત આઘાતમાં છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો ભારત માટે ઘણા મુશ્કેલ સાબિત થઈ રહ્યા છે. હવે ટ્રમ્પ પ્રશાસને એક નિર્ણય લીધો છે, જે અંતર્ગત ઈરાનના ચાબહાર પોર્ટમાં રોકાણ કરવા પર ભારત પર નિયંત્રણો લાદવામાં આવી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય પર હસ્તાક્ષર કર્યા છે. જે બાદ કેન્દ્ર સરકારે ટ્રમ્પના આ નિર્ણય અને આ નિર્ણયની અસર અંગે હાલમાં કંઈ કહ્યું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા નિર્ણયનું નામ નેશનલ સિક્યુરિટી પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમ છે, જેમાં ચાબહાર પોર્ટના નામનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન સરકાર પર મહત્તમ દબાણ કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને અમેરિકાના નાણા મંત્રી સ્કોટ બેસન્ટને ઈરાન પર મહત્તમ દબાણ લાવવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત ઈરાનના તેલ, બંદરો અને ઈરાન સાથેના વેપાર, જેમાંથી તે પૈસા કમાય છે તે તમામ માર્ગો બંધ કરી દેવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય ઈરાનને આર્થિક રીતે પંગુ પાડવાનો છે. આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ નિર્દેશ આપ્યો છે કે જો તેમની હત્યાના પ્રયાસ માટે ઈરાન જવાબદાર જણાય તો તેને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવો.
ડોનાલ્ડ ટ્રમ્પના આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશના વિદેશ મંત્રી અમેરિકાએ ઈરાનને અત્યાર સુધી આપેલી પ્રતિબંધોની છૂટમાં ફેરફાર કરશે અથવા તેને રદ કરશે. ખાસ કરીને ઈરાનને આર્થિક લાભ આપનારા તમામ માર્ગો બંધ કરવામાં આવશે. આમાં ઈરાનના ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ માટે આપવામાં આવી રહેલી છૂટનો પણ સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ભારતે ઈરાન અને અફઘાનિસ્તાન સાથે 2016ના ત્રિપક્ષીય કરાર હેઠળ ચાબહાર બંદર પર શાહિદ બેહેશ્તી ટર્મિનલ વિકસાવ્યું છે. તે જ સમયે, જો બિડેનના વહીવટ દરમિયાન, અમેરિકાએ ચાબહાર પોર્ટને લઈને ભારતને વિશેષ છૂટ આપી હતી, જેને હવે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર દ્વારા હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચાબહાર પોર્ટ પર ટ્રમ્પના નિર્ણયો ભારતને મુશ્કેલીમાં મૂકે છે. કારણ કે ભારત આ બંદરને મધ્ય એશિયાનું પ્રવેશદ્વાર માને છે. સૌથી મોટી સમસ્યા એ છે કે પ્રતિબંધ બાદ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાને માલ વેચવા માટે માત્ર પાકિસ્તાન જ બચ્યું છે, તેથી પાકિસ્તાન ટ્રમ્પના આ નિર્ણયથી ખુશ નહીં થાય.
વડાપ્રધાન મોદી ટ્રમ્પને મનાવી શકશે?
ધ હિંદુના અહેવાલ મુજબ, ભારતીય વિદેશ મંત્રાલયે હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણય પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાએ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પાછા મોકલવાનું શરૂૂ કરી દીધું છે. માનવામાં આવે છે કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પરથી તમામ આશાઓ બાકી છે. વડાપ્રધાન 12 થી 14 ફેબ્રુઆરી સુધી અમેરિકાના પ્રવાસે હશે. આ દરમિયાન મોદી ચાબહાર પોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી શકે છે. હાલમાં ભારતીય અધિકારીઓનું કહેવું છે કે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશનો અભ્યાસ કરી રહ્યા છે. આ સિવાય ભારતીય અધિકારીઓ હવે ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચાબહાર પોર્ટને કેવા પ્રકારની છૂટ આપવી જોઈએ અને તેના માટે કેવી રીતે લોબિંગ કરવું તે અંગેનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે.
…તો અફઘાનીસ્તાન-મધ્ય એશિયાનો વેપાર પાકીસ્તાનના કબ્જામાં ચાલ્યો જશે
ચાબહાર પોર્ટ ભારત માટે અફઘાનિસ્તાન થઈને મધ્ય એશિયાના દરવાજા ખોલે છે. આ બંદર વેપાર માટે ભારતની પાકિસ્તાન પરની નિર્ભરતાને દૂર કરે છે. તેથી ચાબહાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બંદર છે. મે 2024 માં, ભારતના શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલે ચાબહાર ટર્મિનલના વિકાસની જાહેરાત કરી. ઈંજ માટે ઈરાન સાથે 10 વર્ષનો કરાર કરવામાં આવ્યો હતો. જેના પર અમેરિકાએ આકરી ટિપ્પણી કરી હતી. ભારતે સંકેત આપ્યો હતો કે તે તેને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ વેપાર કોરિડોર સાથે જોડશે અને તેનો ઉપયોગ રશિયા અને મધ્ય એશિયા સાથે વેપાર માટે કરશે. બિડેન વહીવટીતંત્રને આ ગમ્યું નહીં અને ભારતની ટીકા કરી અને ભારતને યાદ અપાવ્યું કે ચાબહાર પ્રતિબંધ પર છૂટછાટ મર્યાદિત છે. જો કે, બિડેન પ્રશાસને આનાથી આગળ કંઈ કર્યું નથી. પરંતુ હવે ટ્રમ્પ પ્રશાસને ભારતની મુશ્કેલીઓ વધારી દીધી છે. પ્રતિબંધ લાગે તો અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાનો વેપાર વાયા પાકિસ્તાન કરવો પડશે. અને કુદરતી રીતે પાકીસ્તાનના કબ્જામાં વેપારથી ભારત માટે અનેક મુશ્કેલીઓ વધશે.