Site icon Gujarat Mirror

ટ્રમ્પનું આવતીકાલે રાષ્ટ્રજોગ સંબોધન, દુનિયાભરની નજર

અખાતી યુદ્ધ સંકેલવા અંગેની રણ(છોડ) નીતિની જાહેરાત થવાની ધારણા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે-ત્રણ અઠવાડિયામાં ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. બીજી બાજુ આવતીકાલે વહેલી સવારે તેઓ કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. બીજી બાજુ ઇરાનના પ્રમુખ પણ યુદ્ધ ખતમ કરવા તૈયાર દેખાઈ રહ્યા છે. આવતીકાલ તા.2જી એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી પ્રજા માટે રાષ્ટ્રજોગ સંબોધન કરશે તેના પર સહુની નજર છે. યુધ્ધના 33 દિવસ પછીના આ સંબોધનમાં અમેરિકાની રણનીતિ સ્પષ્ટ થશે.

અમેરિકન સેનાએ ઈરાનની સરહદની અંદર આવેલા ગુપ્ત અંડરગ્રાઉન્ડ સૈન્ય મથકો પર ’પ્રિસિઝન મ્યુનિશન’ (સચોટ નિશાન લગાવતા હથિયારો) વડે હુમલો કર્યો છે. આ ઓપરેશનનો હેતુ ઈરાની શાસનની સૈન્ય શક્તિને તોડી પાડવાનો છે. રશિયન રાજદૂત મુજબ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ઈરાનમાં જ છે પરંતુ તે જાહેરમાં આવતા નથી. જોકે, અમેરિકાનો દાવો છે કે તેઓ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમના ચહેરા પર ઈજાઓ પહોંચી છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે રાત્રે 9 વાગ્યે (ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે 6:30 કલાકે) દેશને સંબોધિત કરશે. આ સંબોધનમાં ઈરાનમાંથી અમેરિકી સેનાની વાપસી અંગે મોટી જાહેરાતો થઈ શકે છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું છે કે ઈરાની ખતરા સામે લડવા માટે ઈઝરાયેલ અન્ય દેશો સાથે નવા સુરક્ષા ગઠબંધન બનાવી રહ્યું છે. જોકે તેમણે દેશોના નામ જાહેર કર્યા નથી.

કતારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જંગ વધારવાના પક્ષમાં નથી અને હાલ પોતાની સંપ્રભુતા પર ધ્યાન આપી રહ્યા છે. બીજી તરફ, રિયાધમાં અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકોને વિસ્તાર છોડવા માટે સતત અપડેટ્સ આપી રહ્યું છે.

Exit mobile version