ગુજરાત
ભાવનગરમાં મેળા અને ધાર્મિક કાર્યક્રમોમાંથી વાહનચોરી કરતી ત્રિપુટી ઝડપાઇ, 15 બાઇક કબજે
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મળેલી ચોક્કસ માહિતી આધારે છેલ્લા અઢી વર્ષના સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગને 15 નંગ ચોરીના બાઈક કિં.રૂૂ 5 લાખથી વધુ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વાહન ચોરીના ભેદ ઉકેલ્યા છે.
ભાવનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે રબર ફેક્ટરી રોડ પર સાંઈ દર્શન કોમ્પલેક્ષના પાર્કિંગમાં બિનવારસી હાલતમાં બાઇકો પડ્યા હોવાની માહિતી મળેલ અને આ બાઈક ને વેચવા માટે ત્રણ શખ્સો પેરવી કરી રહ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી, આથી એલસીબીના જવાનોએ સાંઇ દર્શન કોમ્પલેક્ષમાં પહોંચી 15 બાઈકનો કબ્જો લઈ ત્યાં હાજર યતિ ઉર્ફે યશ હરેશ ચૌહાણ ઉંમર વર્ષ 25 રહે.પચાસ વારીયા પ્લોટ નંબર.16 રામવાડી પાસે આનંદનગર, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મત રાઠોડ ઉંમર વર્ષ.25 (રહે.સુર્યા વાળો ચોક ખેડુતવાસ) તથા બીપીન ઉર્ફે લાલો રમેશ વેગડ રહે.મફતનગર ખેડૂતવાસ વાળાની અટક કરી બાઈકો અંગે પૂછતાછ કરતા તેઓએ તેના અન્ય એક સાગરિત રાજ ઉર્ફે ભૂરો ઠાકરશી વેગડ રહે ખેડુતવાસ વાળા સાથે મળીને છેલ્લા અઢી વર્ષના સમયગાળા દરમિયાન શહેરના સરદારનગર, નવાપરા, શિશુવિહાર સર્કલ, આનંદનગર, આંબાવાડી, મેઘાણી સર્કલ, જવાહર મેદાન, અધેવાડા, તળાજા રોડ તથા ડોન ચોક સહિતના વિસ્તારોમાંથી આ બાઇકો ચોરી કરી સસ્તા ભાવે વેચી મારતા હોવાની કેફિયત આપી હતી.
વધુમાં વાહન ચોર ગેંગે જણાવ્યું હતું કે, મેળા અને ધાર્મિક કાર્યક્રમો સહિતના સ્થળોએ જાહેરમાં પાર્કિંગ કરવામાં આવતા વાહનોના હેન્ડલ લોક તોડી બાઈક ચોરીની ઘટનાને અંજમ આપતા હોવાની મોડેસ ઓપરેન્ડી જણાવી હતી, આ વાહન ચોર ગેંગ ને ઝડપી લઇ હાલના તબક્કે એલસીબીએ સાત બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે તથા 15 બાઈક કિંમત રૂૂ.5,10,000 નો મુદ્દામાલ કબ્જે કરી શહેર ઉપરાંત જિલ્લામાં થયેલ વાહન ચોરીના અનડીટેક્ટ કેસ સોલ્વ કરવા તપાસ હાથ ધરી છે, તેમજ આ ગેંગના ફરાર આરોપી રાજ ઉર્ફે ભૂરો ઠાકરશી વેગડને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.