Site icon Gujarat Mirror

પ્રેમ પ્રકરણનો કરૂણ અંત: પ્રેમલગ્ન બાદ પ્રેમીકાએ અન્યત્ર લગ્ન કરી લેતા આઘાતમાં પ્રેમીનો આપઘાત

ભગવતીપરાના યુવાને આઘાતમાં ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવી લીધું

રાજકોટના ભગવતી પરા વિસ્તારમાં રહેતા એક યુવાને પ્રેમમાં નિષ્ફળતા અને વિરહના આઘાતમાં આવી જઈ ટ્રેન નીચે પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. શહેરના ભગવતી પરા શેરી નંબર 10 માં રહેતા 42 વર્ષીય યુનુસ અલારખાભાઈ ઘેલડા નામના યુવાને આજે બપોરના સમયે ઘર પાસે આવેલા જૂના રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી એક માલગાડી નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુનુસ બે ભાઈઓમાં નાનો હતો અને વ્યવસાયે ફૂલ ડેકોરેશનનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તેના નિધનના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, યુનુસને છેલ્લા નવ વર્ષથી તેના જ વિસ્તારમાં રહેતી અને પોતાના જ સમાજની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ લાંબા ગાળાના સંબંધને લગ્નમાં પરિણમવા માટે બંને મક્કમ હતા, જેના પગલે ગત બે મહિના પહેલા જ બંનેએ પરિવારની જાણ બહાર કોર્ટમાં કાયદેસરના લગ્ન પણ કરી લીધા હતા. લગ્ન કર્યા હોવાના પુરાવા તરીકે ગત શનિવારે જ યુનુસે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લગ્નના ડોક્યુમેન્ટ્સ અને કંકોત્રી રજૂ કરી હતી. યુનુસ આશા રાખતો હતો કે કાયદેસરના લગ્ન બાદ તે તેની પત્ની (પ્રેમિકા) સાથે સુખી જીવન જીવશે, પરંતુ પરિસ્થિતિએ અચાનક વળાંક લીધો હતો.

ગઈકાલે રવિવારના રોજ યુવતીના પરિવારે યુનુસ સાથેના તેના લગ્નને માન્ય રાખવાને બદલે અથવા તેની જાણ બહાર યુવતીના લગ્ન ઉતાવળે જામનગર ખાતે અન્ય યુવક સાથે કરી નાખ્યા હતા. પોતાના નવ વર્ષના પ્રેમ અને કાયદેસરની પત્નીને કોઈ અન્ય સાથે પરણાવી દેવામાં આવી હોવાની વાત જાણવા મળતા જ યુનુસ ઊંડા આઘાતમાં સરી પડ્યો હતો. આ માનસિક આઘાત જીરવી ન શકતા તેણે આજે બપોરે માલગાડી નીચે પડતું મૂકી અંતિમ પગલું ભરી લીધું હતું. હાલમાં પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આગામી સમયમાં જે યુવતી સાથે યુનુસે લગ્ન કર્યા હતા તેની પૂછપરછ કરવામાં આવશે, જેથી આ આપઘાત પાછળના અન્ય કારણો અને સંજોગો પર વધુ પ્રકાશ પડી શકે.

Exit mobile version