Site icon Gujarat Mirror

શહેરમાં ટ્રાફિકજામનુ જંગલરાજ યથાવત્: પોલીસ ગાયબ, ઈમર્જન્સી વાહનો પણ ફસાયા


શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. રવિવારે બપોરે નાગનાથ ગેઈટ પાસે સર્જાયેલા ચક્કાજામે આ વાતની પુષ્ટિ કરી છે. ગુજરી બજારને કારણે સર્જાયેલા ટ્રાફિક જામમાં 108 ની એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો ફસાઈ ગયા હતા. આ ઘટનાએ શહેરની ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.


જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસની ગેરહાજરીને કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. આ અંગે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ઈન્સ્પેક્ટર જનરલની મુલાકાત દરમિયાન ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે આશા જાગી હતી પરંતુ હકીકતમાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. શહેરના મુખ્ય માર્ગો પર સર્જાતા ટ્રાફિક જામને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ઈમરજન્સી વાહનો પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવાની જરૂૂર છે. જામનગર શહેરમાં ફ્લાય ઓવર નું નિર્માણ થઈ રહ્યું છે, અને તેને લઈને કેટલાક સ્થળો પર પતરાની આડશ મૂકીને કામ ચાલુ રહ્યું છે, જે દરમિયાન સાત રસ્તા સર્કલ થી નાગનાથ ગેઇટ ચોકડી સુધીના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે.


બે દિવસ પહેલાં સાત રસ્તા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ થયો હતો, અને પોલીસે કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી. જે પરિસ્થિતિ રવિવારે બપોરે ફરીથી સર્જાઇ હતી. જામનગરમાં રંગમતી નદીના પટમાં રવિવારે ગુજરી બજાર ભરાય છે, અને કેટલાક ફેરિયાઓ છે કે નાગનાથ ગેઇટ ચોકડી સુધી ઊભા રહે છે, દરમિયાન બપોરે 12.30 વાગ્યાના અરસામાં નાગનાથ ગેઇટ ચોકડી પાસે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, અને મોટી સંખ્યામાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. તેથી લોકોમાં ભારે દેકારો થઈ ગયો હતો.


આ ટ્રાફિક જામની વચ્ચે એક 108 નંબર ની એમ્બ્યુલન્સ પણ સલવાઈ હતી, અને લોકોએ શોર બકોર કર્યો હતો. ત્યારબાદ મોડેથી ટ્રાફિક શાખા ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને ભારે જહેમત લઈને ધીમે ધીમે ટ્રાફિકને હળવો કર્યો હતો.નાગનાથ ગેઇટ ચોકડી પાસે ના ઓવરબ્રિજ ના કામ માટે ચોકડી નો રસ્તો જાહેરનામુ પણ બહાર પાડીને બંધ કરવામાં આવ્યો હોવાથી રસ્તો ટુંકો બની જતાં અહીં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Exit mobile version