Site icon Gujarat Mirror

યાજ્ઞિક રોડ ઉપર ભરાતી રાત્રી બજાર સામે વેપારીઓનો વિરોધ

 

હિરાપન્ના કોમ્પ્લેક્સથી હોટલ ઈમ્પિરિયલ સુધી ભારે ટ્રાફિકની સમસ્યા, ગ્રાહકો દુકાનમાં પ્રવેશી શકતા નથી તેવી વેપારીઓની ફરિયાદ

રાજકોટ શહેરમાં રવિવાર હોય કે સોમવાર દરેક દિવસે અલગ અલગ વિસ્તારોમાં ગુજરી બજારો વર્ષોથી ભરાય છે જેમાં યાજ્ઞિક રોડ ઉપર રાત્રીના સમયે કપડા સહિતના સામાનની બજાર ફુટપાથ ઉપર ઘણા સમયથી ભરાય છે અને લોકોનો મેળાવડો થાય છે. જેનો વિરોધ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યાો છે. યાજ્ઞિક રોડ ઉપર હિરા પન્ના કોમ્પ્લેક્ષથી હોટલ એમ્પિરીયલ પેલેસ સુધીના રોડની બન્ને બાજુ પાથરણાવાળાની બજાર ભરાતા ગ્રાહકોને દુકાનમાં પ્રવેશવા માટે માર્ગ ન મળતો હોય દુકાનદારોએ રોષની લાગણી વ્યક્ત કરી રાત્રી બજારના વિરોધ સાથે મ્યુનિસિપલ કમિશનરને ટુંક સમયમાં આવેદન પાઠવવામાં આવશે તેમ જણાવ્યું છે.

શહેરના પ્રાઈમ લોકેશન પર આવેલ અને મોંઘા શોરૂમ ધરાવતા યાજ્ઞિક રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે કપડા સહિતનો સામાન વહેંચવા માટે ફેરિયાઓ ફુટપાથ અને રોડની બન્ને બાજુ પાથરણા પાથરી માલનો ઢગલો કરી વેપાર કરી રહ્યા છે દર રવિવારે આ બજાર ભરાતી હોય ગાહકો પણ સસ્તામાં મામલ લેવા માટે રાહ જોતા હોય છે. રવિવારે 8 વાગ્યા બાદ યાજ્ઞિક રોડ ઉપર હીરા પન્ના કોમ્પ્લેક્ષથી લઈ ઈમ્પિરિયલ હોટલ સુધીના રોડ ઉપર બન્ને બાજુ પાથરણા વાળાઓ બેસી જાય છે. જેના લીધે મોંઘાભાવની દુકાનો લઈ વેપાર કરતા વેપારીઓની દુકાનમાં ગ્રાહકોને આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ય છે. આ મુદ્દે મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગને અનેક વખત રજૂઆત કરવામા આવી છતાં આજ સુધી આ મુદ્દે કોઈજાતની કાર્યવાહી ન થતાં દુકાનદારોએ ગઈકાલે રાત્રી બજારનો વિરોધ કરી આ મુદદ્દે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.

દુકાનદારોની સાથે આ વિસ્તારમાં રહેતા લોકોએ પણ વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે, રાત્રી બજારમા ઉભાર રહેતા ફેરીયાઓ દ્વારા લાઉડ સ્પીકર ઉપર દેકારો કરી માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આથી આ વિસ્તારના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા આગામી દિવસમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી યાજ્ઞિક રોડ ઉપર ભરાતી રાત્રી બજારને અન્ય સ્થળે ખસેડવાની કહેવામાં આવશે.

જાહેરનામાનો થતો ભંગ
યાજ્ઞિક રોડ ઉપર હિરા પન્ના કોમ્પ્લેક્ષથી હોટલ ઈમ્પિરિયલ પેલેસના રોડ ઉપર ભરાતી રાત્રી બજારનો વેપારીઓ તેમજ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે લોકોએ જણાવેલ કે, પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી સર્વેશ્ર્વર ચોકના નાલાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહન ચાલકો અને અન્ય લોકો માટે પ્રવેશબંધી ફરમાવી જાહેરનામું પ્રસિદ્ધકર્યુ છે. છતાં રાત્રીના સમયે સેન્ટ્રીંગનું કામ બંધ હોવાથી રાત્રી બજારના ફેરિયાઓ આ પ્રતિબંધીત વિસ્તારમાં બેસી જાય છે. અને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આ મુદ્દે પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

Exit mobile version