Site icon Gujarat Mirror

મેળાના ફોર્મ ઉપાડવાનો આવતીકાલે અંતિમ દિવસ, આયોજન પર અનિશ્ર્ચિતતાના વાદળો

135માંથી માત્ર 25 ફોર્મ જ ભરાઈને પરત આવતાં મેળા સમિતિ પણ મુંઝવણમાં મુકાઇ: મુદત વધવાની શકયતા

સરકારની માર્ગદર્શિકાની અમલવારી કરાવવા માટે સ્થાનિક તંત્ર મક્કમ છે અને એસઓપીનું પાલન થાય તેમ છે નહીં તેવી હૈયાવરાળ રાઈડસ સંચાલકો ઠાલવી રહ્યાં છે અને ફોર્મ જમા કરાવી રહ્યા નથી. ત્યારે આવતીકાલ અંતિમ દિવસ છે ફોર્મ ઉપાડવાનો અને 11 જુલાઈ જમા કરાવવાનો અંતિમ દિવસ છે. ત્યારે વધુ એક વખત ફોર્મ ઉપાડવાની મુદતમાં વધારો થાય તેવી ચર્ચા કલેકટર કચેરીના વર્તુળોમાં થઈ રહી છે.

રાજકોટમાં દર વર્ષે યોજાતો લોકમેળો આ વર્ષે પણ વિવાદોના વંટોળમાં ઘેરાયો છે. આવતીકાલે, 10 જુલાઈ, ગુરુવાર, ફોર્મ ઉપાડવાની છેલ્લી તારીખ છે, જ્યારે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 11 જુલાઈ, શુક્રવાર છે. જોકે, હજુ સુધી માત્ર 135 ફોર્મ જ ઉપાડવામાં આવ્યા છે, અને તેમાંથી ફક્ત 25 ફોર્મ ભરાઈને પરત જમા થયા છે.

ફોર્મ ભરવાની આ સુસ્તીને કારણે મેળાના આયોજન પર પ્રશ્નાર્થ સર્જાયો છે અને તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હાલની સ્થિતિ જોતાં મેળો યોજવો શક્ય નથી તેમ લાગી રહ્યું છે, કારણ કે માત્ર 25 ફોર્મ જ ભરાઈને આવ્યા છે અને 135 ફોર્મ ઉપડ્યા હોવા છતાં એક પણ વેપારીએ ભરેલું ફોર્મ પરત આપ્યું નથી. આ પરિસ્થિતિને કારણે લોકમેળા સમિતિ પણ ગૂંચવણમાં મુકાઈ છે.

બીજી તરફ, અપૂરતા ફોર્મ ઉપડવા ઉપરાંત, ટેન્ડર પ્રક્રિયા સહિતની અન્ય વ્યવસ્થાઓ પણ ગોટાળે ચડી છે. મેળા સંબંધિત ટેન્ડર પ્રક્રિયા પણ હજુ સુધી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે મેળાના આયોજન પર વધુ અનિશ્ચિતતા છવાઈ છે.

 

Exit mobile version