શહેરના લક્ષ્મીનગરમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળી કાલાવડ પર એજી ચોક પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર લક્ષ્મીનગર શેરી નં.6માં ભાડાના મકાનમાં રહેતા વિનોદ ગણેશભાઇ પરમાર (ઉ.વ.45)નામના યુવાને આજે સવારે કાલાવડ રોડ પર એજી ચોક પાસે આવેલા કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથક સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે પાનની કેબીન ચલાવી ગુજરાન ચલાવતો હતો. એકલવાયા જીવનથી કંટાળી તેણે આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

