Site icon Gujarat Mirror

દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ: મકાન પર વૃક્ષ પડતાં 4નાં મોત

40 જેટલી ફલાઇટ રદ અથવા ડાઇવર્ટ કરાઇ, યુપી-બિહાર, રાજસ્થાનમાં પણ ધોમધખતા તાપ બાદ હવામાનમાં પલટો

દેશના અનેક રાજયોમાં મોસમે પલટો લીધો છે. કેટલાય ઠેકાણે હીટવેવ વચ્ચે ગઇકાલે અને આજે સવારે પાટનગર દિલ્હીમાં આંધી- તુફાન સાથે વરસાદ પડયાના સમાચાર છે.
બીજી તરફ, રાજસ્થાનના બાડમેરમાં 46.8 ડિગ્રી તાપમાન સાથે 29 એપ્રિલ 2014ના રોજ નોંધાયેલા 46.8 ડિગ્રી તાપમાનનો રેકોર્ડ તુટી ગયો હતો. જો કે બપોરે જેસલમેર, ભીલવાડા અને પાલીમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. એવી રીતે યુપી, બિહાર અને છતીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. બિહારની રાજધાની પટનાામં 30 મિનિટ સુધી કરા પડયા હતા. એવી જ હાલત નાલંદા, ગયા અને ભાગલપુરમાં જોવા મળી હતી. રાજસ્થાનના 30 જિલ્લામાં આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ છે.

પાટનગરમાં મોડી રાતે અચાનક જ હવામાને પલટી મારતાં બધે જ પાણી પાણી થઈ ગયું. લગભગ 70 થી 80 કિ.મી.ની ઝડપે ધૂળભરી આંધી સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના પગલે 40 જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કે ડાઈવર્ટ કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય 100 જેટલી ફ્લાઈટ મોડી પડી હતી. જ્યારે દક્ષિણ દિલ્હીના જાફરપુર કલાંમાં એક મકાન પર વાવાઝોડાને પગલે વૃક્ષ ધરાશાયી થતાં 4 બાળકો મૃત્યુ પામી ગયા. હજુ પણ ઘણાં લોકો કાટમાળ નીચે દટાયેલાં છે. જ્યારે દિલ્હીના છાવલામાં એક ઘર છત ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. જેમને હેમખેમ બચાવી લેવાયા હતા.

અત્યાર સુધીની માહિતી અનુસાર એરલાઈન્સ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે યાત્રીઓ ફ્લાઈટ્સની લેન્ડિંગ કે ટેકઓફ વિશે એરલાઇન્સ પાસેથી જાણકારી મેળવ્યા બાદ જ ભવિષ્યનું પ્લાનિંગ કરે. એરપોર્ટ પહોંચતા પહેલા તેમની ફ્લાઈટ્સની સ્થિતિ વિશે જાણકારી મેળવી લે. અનેકના રુટ ડાઈવર્ટ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે આજે દિલ્હીમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદને કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે. માર્ગો પર 2 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી છે. ખાનપુર, ડીએનડી, મોતીબાગ સહિતના અનેક વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું હતું.

બેંગાલુરુમાં પણ દે ધનાધન: રસ્તાઓ પર પાણી ભરાયા

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં હવામાને ફરી એકવાર પલટો માર્યો છે. ગઇ રાત્રે 8.45 વાગ્યે છેલ્લા એક કલાક શહેરમાં ધોધમાર વરસાદ પડયો હતો. ગઈકાલે પણ બેંગ્લોરના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરનું જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગ અને સ્થાનિક ડિજિટલ મીડિયાના અહેવાલો અનુસાર, આગામી ચાર દિવસ સુધી બેંગ્લોર સહિત કર્ણાટકના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. બેંગ્લોરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. સ્થાનિક પ્રશાસને લોકોને બિનજરૂૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ વરસાદી માહોલ સર્જાયો છે.

Exit mobile version