Site icon Gujarat Mirror

RMCમાં 69 બેઠક પર ત્રિપાંખિયો જંગ, 3માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફાઇટ

‘ઓપરેશન લોટસ’ વચ્ચે તમામ ઉમેદવારોને ‘સલામત’ રાખવામાં કોંગ્રેસ સફળ, આમ આદમી પાર્ટી 69 ઉમેદવારો ઉભા રાખી પ્રથમ જંગ જીતી

‘આપ’ રાજકોટમાં ખાતુ ખોલાવશે કે ભાજપ-કોંગ્રેસનો ખેલ બગાડશે? પ્રચારમાં ‘રાત ઓછી ને વેહ જાજા’ જેવી સ્થિતિ, ઉમેદવારો માટે કસોટીનો સમય

સૌરાષ્ટ્રના રાજકીય અને આર્થિક કેપીટલ ગણાતા રાજકોટની મહાનગર પાલિકાની આગામી તા.26ના રોજ યોજાનાર ચુંટણીમાં ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાના ગઇકાલે છેલ્લા દિવસે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જતા 18 વોર્ડની 72 બેઠક ઉપર 236 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ત્યારે સૌથી મોટા બે હરિફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તમામ 72 બેઠક ઉપર સીધી સ્પર્ધા સ્પષ્ટ બની છે જયારે આમ આદમી પાર્ટીએ 69 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી 69 બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ જેવી સ્થિતિ છે.

આ સિવાય પક્ષો તથા અપક્ષો મળી કુલ 23 અન્ય ઉમેદવારો ચુંટણીમાં નશીબ અજમાવી રહ્યા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની તોડફોડ કરી ફોર્મ પાછા ખેંચાવવામાં આવે નહીં તે માટે કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારોને અજ્ઞાન સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા અને તેના કારણે તમામ 72 બેઠકના ઉમેદવારો અકબંધ રાખવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સફળ થયા છે.ગઇકાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાનો સમય પુર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારો અજ્ઞાતવાસમાંથી પરત ફર્યા હતા અને આજથી રાબેતા મુજબ પ્રચારકાર્ય શરૂ કરી દીધું છે. હવે પ્રચાર માટે રાજકીય ઉમેદવારો પાસે માત્ર 10 દિવસનો જ સમય બાકી હોવાથી દરેક ઉમેદવારો માટે ‘રાત ઓછીને વેહ જાજા’ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

જો કે, 69 બેઠકો પરના ત્રિપાંખીયા જંગમાં ભાજપ 2021માં મેળવેલી 68 બેઠકો જાળવી રાખે છે કે, આંતરીક લડાઇ અને શાસકો સામેના લોકોના રોષનો પડઘો ચુંટણીમાં પડે છે તે તો પરિણામ જ બતાવશે.
આ ઉપરાંત ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવવા સક્રીય આમ આદમી પાર્ટી કોર્પોરેશનની ચુંટણીમાં બેઠકો મેળવી શકશે કે કોઇનો ખેલ બગાડશે? તે અંગે પણ અટકળો અને અનુમાનો થઇ રહ્યા છે.
આમ આદમી પાર્ટી 72માંથી 69 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો અડીખમ રાખી શકે છે. તેજ તેની પ્રથમ સિધ્ધી છે જયારે કોંગ્રેસ વિના અવરોધે 72 ઉમેદવારો જાહેર કરી આજ સુધી અકબંધ રાખી શકી તે તેના માટે પણ પ્લસ પોઇન્ટ છે. આ બન્ને પાર્ટીઓ રાજકોટમાં ‘પાવરફુલ’ મનાતા ભાજપ સામે કેટલી ટક્કર જીલશે તે તરફ સૌની મીટ મંડાયેલી છે. 28મી એપ્રિલે પરિણામો બાદ બધુ સ્ષપ્ટ થઇ જશે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પરાજયના ડરથી ભાજપ લોકશાહી ઢબે લડવાને બદલે તોડજોડ અને દબાણની રાજનીતિ પર ઉતરી આવ્યું છે. અમારા ઉમેદવારોને ડરાવવા અને દબાવવા માટે પરિવારજનો તથા સગા-સંબંધીઓ મારફતે સંપર્ક કરી માનસિક દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને OBC અને SC બેઠક પરના ઉમેદવારોને ભાજપે સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા હતા, પરંતુ કોંગ્રેસની મજબૂત રણનીતિને કારણે ભાજપના ઈરાદાઓ બર આવ્યા નથી. કોંગ્રેસની રણનીતિ મુજબ, 72 ઉમેદવારોને અલગ-અલગ સ્થળોએ રાખવામાં આવ્યા હતા અને દરેક ગ્રુપ સાથે પક્ષના એક મુખ્ય આગેવાન સતત સંપર્કમાં રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પ્રથમ વખત ચૂંટણી લડતા ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ દરમિયાન સંગઠનના અન્ય કાર્યકરો અને આગેવાનોએ પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું હતું અને અત્યાર સુધીમાં 18 પૈકી 12 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો પણ ધમધમતા કરી દેવામાં આવ્યા છે.

Exit mobile version