શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે ગૃહકલેશના કારણે ત્રણ લોકોએ ફિનાઈલ પી લીધું હતું. જેમાં શાપરમાં કામ બાબતે માતા સાથે બોલાચાલી થતાં પુત્રીએ કરણપાર્કમાં ગૃહકલેશથી પરિણીતાએ અને મોરબી રોડ પચ્ચીસવારીયામાં મકાન લેવા મુદ્દે દંપતિ વચ્ચે ઝઘડો થતાં પતિએ ફિનાઈલ પી લીધું હતું.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળમાં રહેતી રિટાબેન રસીકભાઈ મકવાણા નામની 29 વર્ષની યુવતીને કામ બાબતે માતા સાથે ચડભડ થતાં ફિનાઈલ પી લીધું હતું. કરણ પાર્કમાં તમન્નાબેન ઈમરાનભાઈ દલ (ઉ.26)એ ગૃહકલેશથી કંટાળી ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જ્યારે મોરબી રોડ જકાતનાકા પાસે પચ્ચીસ વારીયામાં રહેતા રાહુલ તેજુરામ લાખાણી (ઉ.30)એ મકાન લેવા મુદ્દે પત્ની સાથે બોલાચાલી થતાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમાં માંડાડુંગરમાં રહેતી કેશરબેન પ્રકાશભાઈ સાંડમીયા (ઉ.35) આજી ડેમ ચોકડી પાસે હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. જ્યારે સાધુ વાસવાણી રોડ પર આવેલા રાજીવ ગાંધી આવાસ કવાર્ટરમાં રહેતી મમતાબેન રાજેશભાઈ સોલંકી (ઉ.29) સાથે પાડોશી કરણ અને અર્જુન સહિતના ત્રણ શખ્સોએ ઝઘડો કરી સોડા બોટલ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી બન્ને મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
