Site icon Gujarat Mirror

માતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યા

ખોખડદળ પાસે આવેલા મેલડી માતાના મંદિરે ચાર મિત્રો ચાલીને દર્શને જતા હતાં તે વેળાએ કોઠારિયા રોડ પર મધરાત્રે ઘટી ઘટના: કાર ચાલક ફરાર

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે ગઈકાલે રાત્રીના ચાર મિત્રો ચાલીને ખોખડદળ પાસે આવેલ મેલડી માતાજીના દર્શને જતાં હતાં ત્યારે કોઠારીયા રોડ પર બિલીપત્ર પાર્ટી પ્લોટ પાસે માતેલા સાઢની માફક ધસી આવેલા કારના ચાલકે ત્રણ પદયાત્રીને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે આવેલ માનસરોવરમાં રહેતાં વિશાલ સાદુરભાઈ ભરવાડ (ઉ.25), અર્જુન મેઘાભાઈ ભરવાડ (ઉ.25) અને લક્ષ્મણ આલાભાઈ ભરવાડ (ઉ.24), રાત્રીનાં બારેક વાગ્યાના અરસામાં કોઠારીયા રોડ પર આવેલ બિલીપત્ર પાર્ટી પ્લોટ પાસે ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે ત્રણેય યુવકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત વિશાલ ભરવાડ ચાની હોટલ ધરાવે છે જ્યારે અર્જુન ભરવાડ કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ સ્ટેશનમાં નોકરી કરે છે. ઈજાગ્રસ્ત ત્રણેય યુવક સહિત ચારેય મિત્રો ખોખડદળ નદીના પુલ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે ચાલીને દર્શન કરવા જતાં હતાં ત્યારે માતેલા સાંઢની માફક પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે ત્રણેય પદયાત્રી યુવકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version