Site icon Gujarat Mirror

‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’ કહી વેપારી ઉપર ત્રણ શખ્સોનો છરીથી હુમલો

શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતો વેપારી યુવાન ગત મોડીરાત્રે જમાતની મીટિંગમાંથી પરત આવતો હતો. ત્યારે ત્રણ શખ્સોએ રસ્તામાં આંતરી ‘ટ્રસ્ટની દુકાનની મેટરમાં વચ્ચે કેમ પડે છે’ તેમ કહી છરી અને ગૃપ્તી જેવા હથિયાર વડે હૂમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે હૂમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં.1માં રહેતો અને લાખાજીરાજ રોડ પર કપડાની દુકાન ચાલવતા આબીદભાઇ ફારુકભાઇ કામદાર (ઉ.વ.35)એ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનવર દારૂવાલા, તેનો પુત્ર વાજીદ અને મોસીન રફીક આકબાણીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે રાત્રે 1.30 વાગ્યાના અરસામાં ફરિયાદી તેના પિતરાઇ ભાઇ સાથે ભવાની નગરમાં જમાતની મીટિંગમાં બાઇક લઇ પરત ઘરે આવતા હતા.

ત્યારે રામનાથપરા શેરી નં.22માં પહોંચતા આરોપીઓએ તેને આંતરી ‘કરીમપુરા મસ્જીદની બાજુમાં આવેલી ટ્રસ્ટની દુકાન બાબતે ચાલતી મેટરમાં વચ્ચે કેમ પડે છે, જમાતની મીટિંગમાં કેમ ગયો હતો. હું તને જોઇ લઇશ’ તેમ કહી ત્રણેય શખ્સોએ ઝઘડો કરી લોખંડની પાઇપમાંથી ગુપ્તી જેવુ હથિયાર કાઢી અને છરી વડે પેટના ભાગે તથા હાથના ભાગે હૂમલો કરી મારમારતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એ ડિવિઝન પોલીસે વેપારી યુવાનની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version