Site icon Gujarat Mirror

પોરબંદરમાં 10 વર્ષ જૂના મારામારી કેસમાં NSUI પૂર્વ ઉપ પ્રમુખ સહિત ત્રણને છ માસની સજા

પોરબંદરમાં દસ વર્ષ જૂના મારામારીના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત NSUIના પૂર્વ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, તેમના ભાઈ ભગીરથ બાપોદરા અને પિતા ખીમા કાંધા બાપોદરાને છ માસની સજા ફટકારવામાં આવી છે.

આ કેસ રાણાવાવ ખેતીવાડી બેન્કના ચેરમેન કિશોરભાઈ ભૂતિયા પર થયેલા હુમલાનો છે. જમીન બાબતના મનદુ:ખને લઈને આ હુમલો થયો હતો. કિશોરભાઈ ભૂતિયાએ 31 જાન્યુઆરી, 2015ના રોજ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, આરોપીઓએ રાજીવનગર વિસ્તારમાં કાંધાબાપાના ચોક પાસે કિશોરભાઈની કાર અટકાવી હતી. ખીમા કાંધા બાપોદરાએ કિશોરભાઈના સસરાની વડવાળા ગામે આવેલી ખેતીની જમીન બાબતે મનદુ:ખ રાખ્યું હતું.

કિશોરભાઈ પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ તેમને વડવાળા ગામે જમીનમાં પગ ન મૂકવા ધમકી આપી હતી. ત્યારબાદ, બેઝબોલના ધોકાથી માર માર્યો હતો અને કારના કાચ પર ધોકા મારી નુકસાન પણ પહોંચાડ્યું હતું.

આ કેસ લાંબા સમય સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ જે.જે. હાથલિયા અને સરકારી વકીલ એમ.બી. જાડેજાએ દલીલો કરી હતી. એડી સિનિયર સિવિલ જજ એ.એ. શેખે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી દરેકને છ માસની સજાનો હુકમ કર્યો છે.

Exit mobile version